- શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા ત્યાં દવાનો છંટકાવ
- આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચેક અપ શરૂ
- હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 15 બાળ દર્દીઓ નોંધાયા
રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે હવે આખરે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે. જિલ્લાના આંતરીયાળ વિસ્તારના 5 કિલોમીટરના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. સાથે જ જે વિસ્તારમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ સામે આવ્યા છે, તે વિસ્તારમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.
સાબરકાંઠામાં છ બાળકના મોત
વિવિધ જગ્યાઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચુના અને મેનેથીયોનના મિશ્રણનો છંટકાવ કરવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચેક અપ શરૂ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 15 બાળ દર્દીઓ નોંધાયા છે અને જેમાં 6 બાળકના મોત થયા છે અને બે બાળકને રજા આપવામાં આવી છે. ત્યારે 7 બાળ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. જેમાં 1 બાળક પીઆઈસીયુ વોર્ડમાં વેન્ટીલેટર પર છે.
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. જેમાં ખેડા જિલ્લામાં ચાંદીપુરના શંકાસ્પદ 5 કેસ સામે આવ્યા છે. તેમાં 5 માંથી 1નું મોત થયુ છે. તેમજ 3 સારવાર હેઠળ છે તથા 1 સ્વસ્થ છે. ગળતેશ્વર, મહુધા, મહેમદાવાદમાં કેસ નોંધાયા છે. તેમજ ભાવસીપુરામાં 17 ઘરો, 69 લોકોના સેમ્પલ લેવાયા છે. તથા આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાયો છે.
અરવલ્લીમાં 4 કેસ નોંધાયા, 2ના મોત તેમજ મહીસાગરમાં 2 કેસ
અરવલ્લીમાં 4 કેસ નોંધાયા, 2ના મોત તેમજ મહીસાગરમાં 2, ખેડામાં 5 કેસ નોંધાયા છે. મહેસાણામાં 4 કેસ, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ રાજકોટ 3 કેસ નોંધાયા, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ અમદાવાદમાં 4 કેસ, 3 દર્દીઓના મોત થયા છે. તેમજ ગાંધીનગરમાં 7 કેસ, 1 દર્દીનું મોત થયુ છે. તેમજ પંચમહાલમાં 11 કેસ, 4 દર્દીઓના મોત થયા છે. જામનગરમાં 5 કેસ, છોટાઉદેપુરમાં 2 કેસ તેમજ મોરબીમાં 4 કેસ, 3 દર્દીઓના મોત થયા છે. દોહાદમાં 2 કેસ, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ વડોદરામાં 2, નર્મદામાં 1 કેસ સામે આવ્યો છે.


