- દિવાળીના તહેવારને ધ્યાને લઈ કાર્યવાહી
- આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તપાસ કાર્યવાહી
- ઘીના વેપારીઓને ત્યાં આરોગ્ય ટીમોના દરોડા
જામનગર શહેરમાં દિવાળીના તહેવારને ધ્યાને રાખી મનપાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘીના વિવિધ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ઘીના સેમ્પલ કલેક્ટ કરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
હાલના દિવસોમાં ગુજરાતમાંથી અનેક જગ્યાએથી નકલી ખાણીપીણીની ચીજો મળી હોવાનું સામે આવ્યું છે, આ સિવાય મોટાપાયે સબસ્ટાન્ડર્ડ ક્વોલિટીની અથવા તો કહીએ કે નબળી ગુણવત્તાની ચીજોની મિલાવટના બનાવો સામે આવ્યા છે. હાલ ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ઉપરાંત થોડા જ દિવસોમાં દિવાળીનો તહેવાર પણ આવવામાં છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે જામનગર શહેરમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તહેવારને અનુલક્ષીને કોર્પોરેશનના ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા ઘીના જુદા-જુદા વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. હાલ તંત્ર દ્વારા શહેરમાં ત્રણ થી ચાર વેપારીઓને ત્યાં શુદ્ધ ઘીના સેમ્પલ લઇ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે તંત્રની આ કામગીરીથી ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.
હાલના દિવસોમાં ગુજરાતમાં અલગ અલગ શહેરોમાંથી અનેક જગ્યાએથી ખાણીપીણીની ચીજોમાં મિલાવટના સમાચાર સામે આવ્યા છે. આવી અનેક ઘટનાઓનો ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા દરોડા પાડીને પર્દાફાશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે અંબાજી મેળામાં મોહનથાળ પ્રસાદમાં નકલી ઘી વપરાયું હોવાનું સામે આવ્યું હતું. જેના પછીથી નકલી બટર અને ઘી, નકલી તેલ, માહી દૂધ ડેરીના ઓછી ગુણવત્તાના દૂધના નમૂના, સડેલી મલાઈ, મિલાવટી આઈસ્ક્રીમ, સડેલા ગોળ અને નકલી દૂધનો જથ્થો પણ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. એક જગ્યાએ નકલી દૂધ કઈ રીતે બનાવવું તેના ષડયંત્રનો પણ પર્દાફાશ થયો હતો અને ઊંઝામાંથી નકલી જીરૂં બહાર મોકલવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો હતો.
મહત્વનું છે કે રાજ્યમાં હાલ અત્યારે નકલી ઘી,દૂધ, પનીર સહિતના ખાદ્ય પદાર્થો બનાવી વધારે રૂપિયા બનાવવા કાળો કારોબાર કરતા હોય છે ત્યારે જામનગરમાં પણ આ તમામ ચીજ-વસ્તુઓને ધ્યાને લઇ જામનગર શહેરમાં ફૂડ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ઘીના અલગ-અલગ વેપારીઓને ત્યાં તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે. કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આ તમામ ઘીના સેમ્પલ લઇ વડોદરા ખાતેની લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવશે. તાજેતરમાં જ જામનગર SOG દ્વારા શહેરના એક કરિયાણાના વેપારીને ત્યાં દરોડો પાડી 35 કિલો બનાવટી ઘી ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે આગામી તહેવારોને અનુલક્ષીને જામનગર શહેરના લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે અને તેમના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુસર ફૂડ આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી શરુ કરવામાં આવી છે અને આગામી દિવાળીના તહેવારો સુધી આ કાર્યવાહી શહેરભરમાં ચાલુ રહેશે. જોકે આ કાર્યવાહીથી ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ છે.