ચોમાસાની ઋતુમાં કયારેક વરસાદ અને કયારેક તડકો જોવા મળે છે. ડબલ સિઝનના કારણે આ સમયમાં ગંભીર બીમારીનો પ્રકોપ વધે છે. છેલ્લા કેટલાક સમયમાં હોસ્પિટલોમાં તાવ, ઉધરસ અને શરીરમાં દુખાવાની ફરિયાદ કરતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ડોક્ટરે આ સિઝનને લઈને સ્વાસ્થ્યમાં તકેદારી રાખવા લોકોને ચેતવણી આપી છે.
ડબલ સિઝનની લોકોના સ્વાસ્થ્ય પર અસર
ડોક્ટરના જણાવ્યા મુજબ ચોમાસામાં વરસાદના કારણે વાતાવરણમાં ભેજ વધે છે અને કયારેક તડકાના કારણે ઉનાળા જેવો માહોલ લાગે છે. એટલે આ સમયમાં સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને આવી સ્થિતિમાં બાફ વધુ જોવા મળે છે. એટલે જે લોકો પહેલાથી જ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરતા હોય તેમને આ ડબલ ઋતુ વધુ અસર કરે છે. વરસાદ પડતાની સાથે જ હવામાન ઠંડુ થઈ જાય છે અને સૂર્ય નીકળતાની સાથે જ ભેજને કારણે ગરમી વધી જાય છે. એટલું જ નહીં, આ દિવસોમાં રાત્રે એસી અને કુલર પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.
ગંભીર બીમારીના વધ્યા કેસ
હવામાનમાં રોજિંદા ફેરફાર લોકોને બીમાર બનાવી રહ્યા છે. જેના કારણે મોટાભાગના લોકો વાયરલ તાવથી પીડાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ઓપીડીમાં તાવ, ઉધરસ અને શરદીના દર્દીઓ ઉપરાંત ડેનગ્યુ અને મેલેરીયાના દર્દીઓ પણ વધ્યા છે. ઓપીડીમાં આવતા લગભગ 200 દર્દીઓમાંથી 50 દર્દીઓનો ડેન્ગ્યુનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જિલ્લામાં 27 ડેન્ગ્યુ અને 35 મેલેરિયાના દર્દીઓ મળી આવ્યા છે. વરસાદમાં વિવિધ સ્થળોએ પાણી ભરાઈ જવાથી ડેન્ગ્યુ વાયરસ ઝડપી પ્રસરી રહ્યો છે. એટલે જ આ સિઝનમાં કોઈપણ સામાન્ય સમસ્યામાં વિલંબ વગર ડોક્ટરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.


