મોટાભાગના ભારતના લોકોના શરીરમાં વિટામિન B12 અને વિટામીન D3ની ઉણપ જોવા મળે છે. શરીરમાં આ વિટામિનની ઉણપ અનેક રોગોનું કારણ બને છે. વિટામિન B12ની જેમ વિટામીન D3 શરીર માટે મહત્વપૂર્ણ છે. સૂર્યપ્રકાશ વિટામીન D3નો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ ચોમાસાની ઋતુમાં વાદળછાયા વાતાવરણના કારણે શરીરમાં આ વિટામિનની ઉણપ વધે છે. આવી સ્થિતિમાં તમે ચોક્કસ આહારમાંથી વિટામીન D3ની ઉણપ દૂર કરી શકશો.
વિટામીન D3, શરીર માટે કેમ જરૂરી
ઑસ્ટિયોપોરોસિસ જેવા દુર્લભ રોગોથી બચવા અને સ્વસ્થ હાડકાં માટે આ વિટામિન D3 શરીર માટે જરૂરી છે. વિટામીન D3 હાડકા મજબૂત બનાવે છે અને શરીરમાં કેલ્શિયમ અવશોષણ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારવા, થાક ઘટાડવા અને મૂડને સારો રાખવામાં તેમજ હૃદયને થતા નુકશાનની સારવારમાં પણ મદદ કરે છે. માછલી, ઇંડા અને સૂર્યપ્રકાશ વિટામિન ડી3ના મુખ્ય સ્ત્રોત છે. પરંતુ તેના સિવાય આ ચોક્કસ આહારને દિનચર્યામાં સામેલ કરી તમે કુદરતી રીતે આ વિટામિનની ઉણપ દૂર કરી શકો છો.
વિટામીન D3ના કુદરતી સ્ત્રોત
વિટામિન ડીની ઉણપથી સ્નાયુઓ નબળા પડે છે અને કેટલાક કિસ્સામાં કિડની પર પણ અસર થાય છે. ત્યારે તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે રોજિંદા આહારમાં મશરૂમ, ચીઝ, માખણ અને દેશી ઘી અને ફોર્ટિફાઇડ ફૂડ્સને જરૂર સામેલ કરો. આ ખોરાક શાકાહારી લોકો માટે વિટામિન ડી3ના મહત્વપૂર્ણ કુદરતી સ્ત્રોત છે. યુવી પ્રકાશમાં રાખેલા મશરૂમને શાકભાજી, પાસ્તા અથવા સ્ટિર-ફ્રાયમાં ઉમેરીને ખાઈ શકો છો. ફોર્ટિફાઇડ ફૂડ્સ જેવા કે દૂધ, સોયા/બદામના દૂધ, નારંગીના રસ અને ઘણા નાસ્તાના અનાજમાં વિટામિન ડી હોય છે. જ્યારે ચીઝનો પરાઠા, સેન્ડવીચ જેવી વિવિધ વાનગીમાં ઉપયોગ કરી શકાય. દરરોજ થોડી માત્રામાં માખણ અને દેશી ઘી જરૂર ખાવું જોઈએ તેવું હંમેશા વડીલો સલાહ આપતા હોય છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


