ભાદરવા મહિનામાં બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધુ વકરે છે. ખાસ કરીને આ મહિનો બદલાતી ઋતુ કહેવાય છે. આર્યુવેદમાં આ મહિનામાં આરોગ્ય તંદુરસ્ત રાખવા કેટલાક નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. ભાદરવામાં ખાનપાનની આદતોમાં ખાસ ધ્યાન રાખવું પડશે. આ દિવસોમાં જો શક્ય બને તો વધુ પડતા બહારનું ખાવાનું ટાળવું અને ઘરના ખોરાકનો આગ્રહ રાખવો. કારણ કે બહારના ખોરાકમાં આ દિવસોમાં વધુ ભેળસેળ હોય છે અને આરોગ્યપ્રદ હોતી નથી.
ભાદરવામાં વધે છે બીમારીનો પ્રકોપ
આર્યુવેદ મુજબ આપણે ઋતુ પ્રમાણે આહાર કરવો જોઈએ. કારણ કે દરેક ઋતુમાં આવતા ખાસ શાક અને ફળની તેની વિશેષતા હોય છે. પરંતુ આજકાલ લોકો ફ્રિજમાં તમામ વસ્તુઓ સ્ટોર કરવા લાગ્યા છે. લાંબા સમય સુધી ઘરના ફ્રિજમાં પણ સ્ટોર કરેલ ખોરાક શરીર માટે ખતરારૂપ છે. આ વસ્તુઓનું સેવન કરવાથી આખરે તાવ, શરદી અને ઉધરસ જેવી સ્વાસ્થ્યમાં સમસ્યા સર્જાય છે. તો કેટલાક સંજોગોમાં લોકોને સાંધાના દુખાવો અને કમરનો દુખાવો પણ જોવા મળે છે.
આ વસ્તુઓ ખાવાનું ટાળો
ભાદરવા મહિનામાં કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી માથાનો દુખાવો, ગેસ અને કબજીયાતની સમસ્યા થાય છે. ખાસ કરીને કાકડી, દહીં, કોબીજી, ફૂલાવર, રીંગણા જેવા શાક આ ઋતુમાં ખાવાથી પેટ સંબંધિત સમસ્યા વધે છે. તેમજ ઢોકળા, હાંડવો જેવી આથાવાળી વસ્તુઓ ખાવાથી માઈગ્રેન અને માથાના દુખાવો પણ થાય છે. જ્યારે ડુંગળી, મૂળા, લસણ, કોળું, તુરીયા જેવી વસ્તુઓ શરીરમાં પિત્ત વધારે છે. આ સિઝનમાં સ્વસ્થ રહેવા સવારના નાસ્તામાં તીખા, તળેલા, મસાલેદાર પદાર્થોને બદલે ઘઉંના ફાડા, દૂધ, ખજૂર, બદામ, સાકરથી બનાવેલી પોરીજ કે પછી સાકર નાંખી મીઠું કરેલું દૂધ તાજી રોટલી, પરોઠું જેવો નાસ્તો કરવો જોઈએ.
Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકો છો.


