દિવાળી તહેવારને લઈને બજારમાં રોનક છે. લોકો મીઠાઈ, ફટાકડા અને પોશાકની ખરીદી કરી રહ્યા છે. દિવાળી તહેવારમાં મીઠાઈ અને નાસ્તા ખાવાનો લોકો ભરપૂર આનંદ લે છે. દિવાળીની સાથે અત્યારે ઠંડીની પણ દસ્તક છે. સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. ઠંડીના દિવસોમાં શરીરને ઉર્જાવાન રાખવા ડ્રાયફ્રૂટનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. દિવાળીમાં મીઠાઈના બદલે આરોગ્યનું ધ્યાન રાખવા તમે બદામનું સેવન કરી શકો છો. બદામ ખાવાના આ છે ફાયદા.
પલાળેલી બદામ ખાવાના ફાયદા
બદામમાં વિટામિન E, ફાઇબર, પ્રોટીન, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પ્રચૂર માત્રામાં છે. પલાળેલા બદામનું બાહ્ય પડ નરમ બને છે, જેનાથી તે ચાવવામાં અને પચવામાં સરળ બને છે. પલાળવાથી બદામમાં રહેલા ઉત્સેચકો સક્રિય થાય છે, જે શરીરને વિટામિન અને ખનિજોને સરળતાથી શોષવામાં મદદ કરે છે. પલાળેલી બદામમાં રહેલું વિટામિન E વધુ અસરકારક છે, જે ત્વચાને નરમ અને વાળને મજબૂત બનાવે છે. તેમજ તેનું સેવન શરદી અને ચેપ સામે પણ રક્ષણ આપે છે.
આરોગ્ય નિષ્ણાતે આપી ટીપ્સ
શિયાળામાં શરીરને ગરમ અને ઉર્જાવાન રાખવા માટે બદામ ખાવાનું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બદામનું સેવન મગજ, હૃદય અને ત્વચા માટે ફાયદાકારક છે. છતાં પણ લોકોમાં પલાળેલી બદામ ખાવી કે પછી સૂકી ખાવી જોઈએ તેને લઈને મૂંઝવણ છે. આરોગ્ય નિષ્ણાત કહે છે કે બંને પદ્ધતિઓના અલગ-અલગ ફાયદા છે, પરંતુ જો તમે યોગ્ય રીતે અને યોગ્ય સમયે બદામ ખાઓ છો, તો પોષક ફાયદા અનેકગણા વધી જાય છે. ઠંડીના દિવસોમાં પલાળેલી બદામ ખાવાનું વધુ સારું માનવામાં આવે છે કારણ કે તે સરળતાથી પચી જાય છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


