મધનું સેવન શરીર માટે આરોગ્યપ્રદ છે. વજન ઘટાડવા, ત્વચા ચમકાવવા, ઇમ્યુનિટિ બુસ્ટ કરવા સિવાય અનેક સ્વાસ્થ્ય સમસ્યામાં મધનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા દૈનિક ઉપયોગમાં મધ એક શ્રેષ્ઠ આર્યુવેદીક દવા છે. શરીર માટે ગુણકારી ગણાતું મધ નુકસાન પણ કરી શકે છે. શું તમને ખબર છે કે આ મધ અસલી છે કે નકલી. ભેળસેળયુક્ત મધનું સેવન ગંભીર સમસ્યા સર્જી શકે છે.
બજારમાં નકલી મધનું ધૂમ વેચાણ
લોકોમાં વધતી ડિમાન્ડને લઈને આજકાલ બજારમાં નકલી મધનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. નકલી મધમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. તેનું સેવન કરવાથી શરીરને ફાયદા થવાના બદલે નુકસાન થાય છે. નકલી મધમાં રિફાઈન્ડ ખાંડની ચાસણી ભેળવવામાં આવે છે. અને આ ચાસણી ચીનથી આયાત કરવામાં આવે છે. આ મધનો રંગ અને સ્વાદ બિલકુલ વાસ્તવિક મધ જેવો જ છે. સામાન્ય માણસ માટે ઓળખવું મુશ્કેલ બને છે મધ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત. જો મધ નકલી નીકળે તો લીવર અને કિડનીને ગંભીર નુકસાન કરી શકે છે.
મધની શુદ્ધતા ચકાસો
તમે આ રીતે અસલી કે નકલી મધની ઓળખ કરી શકો છો. મધની શુદ્ધતા ચકાસવા એક પ્લેટમાં મધ નાખો. પછી તેમાં થોડું પાણી ઉમેરો અને પ્લેટને હળવેથી ફેરવો. આ દરમિયાન જો તેમાં મધપૂડા જેવી પેર્ટન બને તો મધ અસલી છે. અને જો તે સીધું ઓગળી જાય અને કોઈ પેટર્ન ના બને તો સમજવું કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે.
મધની ખરીદીમાં રાખો ધ્યાન
સાચું મધ પાણીમાં તરત ઓગળતું નથી. અને નકલી મધ કે જેમાં ખાંડ અથવા કોર્ન સીરપ ઉમેરવામાં આવ્યો હોય તે મધ પાણીમાં નાખવાથી ઝડપથી ઓગળી જાય છે. મધની અધિકૃતતા ચકાસવાની સૌથી અસરકારક વૈજ્ઞાનિક રીત NMR (ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ) ટેસ્ટ છે. આનાથી ખબર પડે છે કે મધમાં ખાંડની ચાસણી ભેળવવામાં આવી છે કે નહીં. એટલે જ મધ ખરીદતી વખતે તેની ગુણવત્તા અને વિશ્વસનીય બ્રાન્ડ જ પસંદ કરવી.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


