આજકાલ લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. ડાયાબિટિસ, હાર્ટએટેક અને કેન્સરની જેમ કિડની ફેલ્યોરનું જોખમ વધ્યું છે. કેટલાક લક્ષણો કિડની ડેમેજ થવાના સંકેત આપે છે. આ ચેતવણીની અવગણના કિડની માટે જોખમી બની છે. શરીરના આ સંકેતોને જરૂર ઓળખવા જોઈએ. સવારના સમયે તમારા શરીરમાં આ ફેરફાર દેખાય તો તેને સામાન્ય માનવાની ભૂલ ના કરશો. કારણ કે આ લક્ષણો કિડની ખરાબ થવાનો સંકેત આપે છે.
સવારે શરીરમાં દેખાશે આ લક્ષણો
સવારે ઉઠ્યા બાદ આંખોની આસપાસ સોજો લાગે તો તે કિડનીની સમસ્યાનો સંકેત હોઈ શકે. કિડની શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે પરંતુ જ્યારે તેમાં સમસ્યા ઉદભવે ત્યારે તે યોગ્ય રીતે કાર્ય કરતી નથી અને શરીરમાં સોડિયમ અને પાણી એકઠા થવા લાગે છે, જેના કારણે સોજો આવે છે. તેમજ જયારે સવારના સમયે તમે ટોઈલેટ જાવ ત્યારે પેશાબમાં ફીણ આવે તો તે એક સમસ્યા છે. પ્રોટીનનું પ્રમાણ વધવાના કારણે આ સમસ્યા ઉદભવે છે જેને ‘પ્રોટીન્યુરિયા’ કહેવાય છે. અને તે સ્વસ્થ કિડની પર અસર કરી શકે છે. મોંમાંથી તીવ્ર અને અસામાન્ય ગંધ આવતી હોય અને બ્રશ કર્યા બાદ પણ તે દૂર ના થતી હોય અને સવારે ઉઠતાની સાથે જ શુષ્ક ત્વચા અને કોઈ કારણ વગર તીવ્ર ખંજવાળ આવવી એ પણ કિડનીના નુકસાનની નિશાની હોઈ શકે છે.
હેલ્થ એક્સપર્ટનું સૂચન
હેલ્થ એક્સપર્ટના મતે ખાંડવાળા પીણાં અને કાચુ મીઠું અથવા ખોરાકમાંથી ઉપરથી મીઠું લેવાની આદત કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. તળેલા અને ચરબીયુક્ત ખોરાક તેમજ ફ્રેન્ચ ફ્રાઈસ, પીત્ઝા અને પેકેજ્ડ નાસ્તા કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. કિડનીને સ્વસ્થ રાખવા રોજિંદા આહારમાં પૌષ્ટિક ખોરાકને સામેલ કરો. દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીઓ જેથી ઝેરી તત્વો બહાર નીકળી જાય. આ સાથે યોગ અને હળવી પ્રવૃત્તિ પણ કરો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


