દિવાળી તહેવારની સાથે જ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીના દિવસો શરૂ થતાં જ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. શિયાળાની ઠંડી અનેક લોકોમાં સ્વાસ્થ્ય સમ્યાનું કારણ બને છે. ઠંડીના દિવસો શરૂ થતા જ સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો અને કમરના દુખાવાની લોકોમાં ફરિયાદ વધવા લાગે છે. આ દુખાવામાંથી રાહત મેળવવા દવા નહીં ઘરેલુ ઉપચાર વધુ ફાયદાકારક છે. દરરોજ 1 લાડુ ખાવાથી આ તમામ દુખાવામાં મોટી રાહત મળશે. જો તમારે પણ આ લાડુ ખાવા હોય તો નોંધી લો મેથી અને સૂકા આદુના લાડુ બનાવવાની રેસીપી.
મેથીના લાડુ બનાવવા માટે સામગ્રી
શિયાળામાં સ્વાસ્થ્ય સમસ્યાનું રાખો ધ્યાન. આ લાડુ છે રામબાણ ઇલાજ. તમે પૌષ્ટીક સામગ્રીથી બનેલા મેથીના લાડુ બનાવી દુખાવામાં રાહત મેળવી શકો છો. મેથીના લાડુ બનાવવા માટે સામગ્રી લો. લાડુ બનાવવા માટે, તમારે 3/4 કપ મેથીના દાણાની જરૂર પડશે, તેને પાણીથી ધોઈ લો અને પછી દૂધમાં પલાળી દો. લગભગ 500 ગ્રામ ગોળ, 1 કપ ચણાનો લોટ, 1 કપ ઘી, 1/2 કપ ગુંદર, 2 ચમચી સૂકું આદુ, 1/2 કપ કાજુ, 1/2 કપ અખરોટ, 1/2 કપ બદામ અને સુગંધ માટે ઇલાયચી પાવડર સહિતની સામગ્રી લેવાની રહેશે.
મેથીના લાડુ બનાવવાની રીત
- લાડુ બનાવવા માટે, મેથીના દાણાને લગભગ 2 કપ દૂધમાં સારી રીતે પલાળી દો. જો તમે મેથીના દાણાને આખા પલાળી રાખ્યા હોય, તો તેને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો.
- ત્યારબાદ ગેસ ચાલુ કરી એક પેનમાં ઘી નાખી બદામ, કાજુ, અખરોટ અને ગુંદરને વારાફરતી નાખી હળવા હાથે શેકી લો. પછી ઘીમાં ક્રશ કરેલી મેથી ઉમેરી સતત હલાવતા રહો. જો તમને ઘી ઓછું લાગે તો ધીરેધીરે ઉમેરો અને મેથીને હળવેથી શેકો. મેથી શેકતાની સાથે જ ઘી છોડવા લાગશે.
- હવે સૂકા આદુનો પાવડર ઉમેરો અને મેથીને થોડો વધુ શેકો. મેથી કાઢી લીધા પછી, આ પેનમાં લોટ અને ચણાનો લોટ શેકો. બાકીનું ઘી તેમાં ઉમેરો. જો ઘી ઓછું લાગે, તો 1-2 ચમચી વધુ ઉમેરો.
- લોટને સોનેરી થાય ત્યાં સુધી શેકો અને પછી તેને બહાર કાઢો. હવે એક કડાઈમાં ૧ ચમચી ઘી નાખો અને તેમાં ગોળના ટુકડા નાખો. ગોળ ઓગળવા માટે 1 ચમચી પાણી ઉમેરો અને તે ઓગળે એટલે તરત ગેસ બંધ કરી દો.
- દરમિયાન શેકેલા તમામ ડ્રાયફ્રૂટસને મિક્સરમાં ક્રશ કરો અને પછી ક્રશ કરેલ ગુંદર સહિતની તમામ સામગ્રી ગોળના મિશ્રણમાં નાખો. બધી સામગ્રી મિક્સ કરો અને તે ઠંડુ થાય ત્યારે બધું સારી રીતે મિક્સ કરી લાડુ બનાવી લો.


