આજે ખોટી ખાનપાનની આદતના કારણે લોકોમાં કબજીયાતની સમસ્યા વધી છે. યુવાનો અને બાળકો પણ કબજિયાતની સમસ્યાથી પરેશાન થાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે રાત્રે મોડા ઊંઘવું તેમજ ઓછું પાણી પીવાની આદત તેનું કારણ હોઈ શકે છે. આ ઉપરાંત ઓછા ફાઇબરવાળા ખોરાક ખાવાના કારણે ચયાપચય મંદ પડે છે. પાચનતંત્ર નબળું પડતા આંતરડાની ગતિમાં સમસ્યા થાય છે. પેટ સાફ થતું નથી મને ગેસ અપચોની સમસ્યા થાય છે.
ફાઇબરવાળા ખોરાક કરો સામેલ
એકસપર્ટના મતે કબજિયાતની સમસ્યા દૂર કરવા રોજિંદા આહારમાં ફાઇબરવાળા ખોરાકને સામેલ કરવા જોઈએ. રોજિંદા આહારમાં અમુક ફળો ખાવાથી પાચનમાં સુધારો થશે અને કબજીયાતની સમસ્યામાંથી ઝડપી છુટકારો મળશે. આપણી આસપાસ ઘણા ખોરાક છે જે આ સમસ્યામાંથી ઝડપથી રાહત આપી શકે છે. વધુ પાણી પીવાની આદતની સાથે ખોરાકમાં પપૈયા, અંજીર અને કિવી જેવા ફળોની જરૂર સામેલ કરો. જાણો આ ફળોના ફાયદા.
પપૈયું અને નાસપતીથી થશે લાભ
નાસપતી અને પપૈયું કબજિયાત માટે ખૂબ ફાયદાકારક છે. પપૈયાને કબજિયાત માટે સૌથી અસરકારક ફળ માનવામાં આવે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે આંતરડાને અંદરથી સાફ કરે છે. તેમાં પપેઇન નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. દરરોજ સવારે કે બપોરે પપૈયું ખાવાથી પેટને હલકું રાખવામાં મદદ મળે છે અને કબજિયાતમાં રાહત મળે છે. તેને રાંધેલા અને કાચું બંને રીતે ખાઈ શકાય છે. જયારે નાસપતીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઇબર હોય છે, જે મળને સરળતાથી પસાર કરવામાં મદદ કરે છે. તેથી, તમે નાસપતીનું પણ સેવન કરી શકો છો.
અંજીર અને કિવી ફાયદાકારક
કીવીમાં ફાઇબર અને એક ખાસ એન્ઝાઇમ હોય છે જે પાચનમાં સુધારો કરે છે. દરરોજ એક કે બે કીવી ખાવાથી ગેસ, એસિડિટી અને કબજિયાતથી રાહત મળે છે. તાજા અને સૂકા બંને અંજીર કબજિયાત માટે સારા માનવામાં આવે છે. તે ફાઇબરથી ભરપૂર હોય છે અને મળને નરમ બનાવે છે. 2-4 સૂકા અંજીરને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ. આ તમારા આંતરડાને સાફ કરવામાં મદદ કરશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


