શરીર સ્ફૂર્તિમાં રહે તો રોજિંદા કામ સરળ રીતે પતી જાય છે. મહિલા હોય કે પછી ઓફિસ જતા યુવાનો હોય શરીરમાં એનર્જી જરૂરી છે. ભાગદોડની આ લાઈફમાં જુદા-જુદા કારણોસર માનસિક તણાવ રહે છે. ફક્ત સવારે વહેલા ઉઠવાથી તમારા કામ જલદી પતી જતા નથી. કારણ કે જો સવારે ઉઠ્યા બાદ પણ શરીરમાં સુસ્તી રહે તો કોઈપણ કામમાં મન લાગતું નથી.
સવારે ઉઠીને કરો આ કામ
હળવી કસરત કરો : કસરત કરવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન બહાર આવે છે, જે મૂડને સારો રાખવામાં મદદ કરે છે. જો તમે પણ ઇચ્છો છો કે તમારો આખો દિવસ સારો રહે, તો તમારે સવારે ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ. આમાં, તમે યોગ, જિમ અથવા સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરી શકો છો.
હેલ્ધી બ્રેકફાસ્ટ કરો : સ્વસ્થ નાસ્તો તમારા દિવસની શરૂઆત સારી બનાવી શકે છે. સવારે સ્વસ્થ નાસ્તો ખાવાથી શરીર આખો દિવસ ઉર્જાવાન રહે છે. આનાથી શરીરમાં ખુશીના હોર્મોન્સ પણ વધે છે. સ્વસ્થ નાસ્તો ખાવાથી દિવસભર સકારાત્મકતા જળવાઈ રહે છે.
સન બાથ લો : સવારે ઉઠ્યા પછી થોડો સમય તડકામાં બેસવાથી મનને શાંતિ લાગશે. ફક્ત 10-15 મિનિટ હળવા સૂર્યપ્રકાશમાં રહેવાથી તમે તાજગીનો અનુભવ કરશો. સવારના આ અનુભવ દિવસભર તમારો મૂડ સારો રાખશે. સૂર્યપ્રકાશ શરીરમાં સેરોટોનિનનું સ્તર વધારે છે, જે મનને ખુશ રાખે છે.
સવારે આ કામથી થશે આટલા ફાયદા
સવારનો સમય ખૂબ જ શાંત અને તણાવમુક્ત હોય છે. આ સમયે મનપસંદ પ્રવૃતિ કરવાથી તમારો માનસિક તણાવ દૂર થશે. શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર સંતુલિત થતા ખુશીનો અનુભવ કરશો. તાજી હવામાં ફરવાથી મગજને વધુ ઓક્સિજન મળશે અને યાદશક્તિ, એકાગ્રતા અને વિચારવાની ક્ષમતામાં સુધારો થશે. દિવસની શરૂઆત સારી થાય તો કાર્યક્ષમતામાં સુધારા થતા તમે વધુ પ્રોડક્ટિવ બનશો. જેના કારણે યુવાનો ઓફિસમાં સારું પ્રદર્શન કરી શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


