ભારતમાં યુવાનો પણ હવે દુર્લભ બીમારીના શિકાર થવા લાગ્યા છે. આજકાલ 40 વર્ષના લોકોમાં કેન્સર, કિડનીના રોગો અને ડાયાબિટીસ બીમારી જોવા મળે છે. બદલાતી જીવનશૈલી અને ખાનપાનની ખોટી આદત તેના માટે જવાબદાર હોવાનું નિષ્ણાત કહે છે. ડાયાબિટીસ બીમારી જયારે વધુ ગંભીર ના હોય એટલે કે પ્રાથમિક સ્ટેજ પર હોય તેને પ્રી-ડાયાબિટીસ બીમારી કહેવાય છે. પ્રી-ડાયાબિટીસ એ એક એવી સ્થિતિ છે જે ડાયાબિટીસ પહેલા થાય છે, જેમાં બ્લડ સુગરનું સ્તર સામાન્ય કરતા વધારે હોય છે. ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે ચાલવાની કસરત જરૂરી છે.
શરીર સ્વસ્થ રાખવું જરૂરી
મોટાભાગના લોકોનું માનવું છે કે વહેલી સવારે ચાલવાથી પ્રી-ડાયાબિટીસની સારવારમાં મદદ મળી શકે છે. આરોગ્ય નિષ્ણાતે પ્રી-ડાયાબિટીસને લઈને મહત્વની વાતો જણાવી. નિષ્ણાતના મતે બીમારી હોય કે ના હોય પરંતુ ચાલવું અને પૌષ્ટીક આહાર શરીર સ્વસ્થ રાખવા જરૂરી છે. પ્રી-ડાયાબિટીસની સારવારમાં બ્રાઉન રાઈસ, રાગી, મલ્ટીગ્રેન બ્રેડ અને આખા અનાજનું સેવન કરવું જોઈએ. વધુમાં, પુષ્કળ લીલા શાકભાજી, કઠોળ અને ફળોનો સમાવેશ કરો. જે લોકો પ્રી-ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે મીઠાઈઓ, પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડવાળા પીણાં પીવાનું ટાળવું જોઈએ.
બ્લડ સુગર નિયંત્રણમાં રહેશે
એવું ચોક્કસપણે ના કહી શકાય કે ચાલવાથી પ્રી-ડાયાબિટીસમાં રાહત મળે છે. પરંતુ ચાલવાની સાથે નિયમિત કસરત કરવાથી પ્રી-ડાયાબિટીસમાં રાહત જરૂર મળે છે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ તમારા સ્નાયુઓને ગ્લુકોઝનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરશે. યોગ તણાવ ઘટાડે છે. તમે ઝડપી ચાલવા અથવા સાયકલ ચલાવવાનો પણ પ્રયાસ કરી શકો છો, જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તણાવ બ્લડ સુગર પણ વધારે છે. એટલે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો. તણાવ ઓછો કરવા માટે ધ્યાન કરો. ઉપવાસ અને ભોજન પછી સમયાંતરે તમારા ખાંડના સ્તરની તપાસ કરવાનું ભૂલશો નહીં.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


