શાકાહારી લોકો આરોગ્ય સ્વસ્થ રાખવા પ્રોટીનયુક્ત આહારનું સેવન કરતા હોય છે. સામાન્ય રીતે સૌથી વધુ પ્રોટીન માંસાહારી ખોરાક ચિકન અને માછલીમાંથી મળે છે. ત્યારે શાકાહારી લોકો માટે પ્રોટીનયુકત ખોરાક માટે પનીર, સોયા અને ટોફુ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. પોષકતત્વોથી ભરપૂર આ ખોરાકમાંથી પ્રોટીન માટે કયો વધુ બેસ્ટ આહાર તેને લઈને લોકોમાં મૂંઝવણ છે.
હેલ્થ એક્સપર્ટનું સૂચન
હેલ્થ એક્સપર્ટ કહે છે કે પનીર, ટોફુ અને સોયા પ્રોટીનના સારા સ્ત્રોત છે. ત્રણેય ખાદ્યપદાર્થમાં અલગ અલગ માત્રામાં પોષકતત્વો રહેલા છે. પનીરમાં કેલ્શિયમ અને વિટામિન B12, ટોફુમાં કેલ્શિયમ, આયર્ન અને વિટામિન B અને સોયામાં પ્રોટીન, ફાઇબર, ખનિજો સહિત અન્ય વિટામિન જેવા પોષકતત્વો રહેલા છે. તમે કયા ખાદ્યપદાર્થમાં કેટલી કેલેરી અને ફાઈબર છે તે જાણ્યા બાદ શારિરીક જરૂરિયાત મુજબ તેનું સેવન કરી શકો છો.
પ્રોટીનના મુખ્ય સ્ત્રોત કહેવાતા આ ખાદ્યપદાર્થમાં જાણો કેટલી માત્રામાં પોષક તત્વો રહેલા છે.
| કયા પોષકતત્વો | પનીર | ટોફુ | સોયા |
| કેલરી | 321 | 144 | 172 |
| પ્રોટીન | 25 ગ્રામ | 17.5 ગ્રામ | 18.2 ગ્રામ |
| ચરબી | 25 ગ્રામ | 8.72 ગ્રામ | 9 ગ્રામ |
| ફાઇબર | 0 | 2.3 ગ્રામ | 13 ગ્રામ |
| કેલ્શિયમ | 200-250મિલી. | 130-350 મિલી | 239 મિલી |
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આ ખાદ્યપદાર્થ
પોષક તત્વોથી ભરપૂર પનીર, ટોફુ અને સોયાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પનીર કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસનો સારો સ્ત્રોત છે, જે ઉર્જા વધારે છે. તે હાડકાંને મજબૂત બનાવે છે અને સ્નાયુઓ મેળવવામાં મદદરૂપ થાય છે. સોયા હોર્મોન સંતુલન જાળવવામાં મદદ કરે છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે. તેનું સેવન કરવાથી દિવસભર ઉર્જા જળવાઈ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ટોફુ, જેને શાકાહારીઓ માટે પનીર કહેવામાં આવે છે, તેમાં ચરબી ઓછી હોય છે. તે વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ચયાપચય સુધારે છે.


