શિયાળાની ઠંડી સાથે જ લોકોમાં સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા વધે છે. ખાસ કરીને આ દિવસોમાં લોકો શરદી અને ઉધરસની સમસ્યાના શિકાર થાય છે. ઠંડીમાં થતી શરદી જલદી મટતી નથી. શરદીમાં નાક બંધ થઈ જતા મોટાભાગના લોકો ગંધની સેન્સ ગુમાવી દે છે. તેના કારણે કયારેક તેઓ મોટી મુશ્કેલીમાં પણ મુકાય છે. બંધ નાકને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. જેના કારણે તેઓ આખો દિવસ પરેશાન રહે છે. શરદીમાં બંધ નાકની સમસ્યાથી તમને છુટકારો મળી શકે છે.
શરદીમાં નાક બંધ થવાની સમસ્યાથી લોકો હેરાન
બદલાતા હવામાનને કારણે લોકોના શરીર પર અસર થાય છે. શરદી દરમિયાન લાળને કારણે નાક ઘણીવાર બંધ થઈ જાય છે. કેટલાક લોકોને શરદીથી ખૂબ જ તકલીફ થાય છે અને નાક બંધ થઈ જાય છે. શરદીમાં નાક બંધ થઈ જવાનું આ કારણ છે. શરદી થવાના કારણે નાકના આંતરિક સ્તરમાં સોજો આવે છે. નાકની અંદરના ભાગમાં સોજો આવવાને કારણે હવાનો માર્ગ સાંકડો થઈ જાય છે અને શરદીમાં ઉત્પન્ન થતા લાળનું પ્રમાણ વધી જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. નાકની અંદર કફ જામવા લાગતા શરદીના સમયમાં શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. કયારેક લોકોને શ્વાસ પણ ચઢે છે. બંધ નાકની સમસ્યા દૂર કરવા તમે ઘરેલુ ઉપચાર કરશો તો જલદી રાહત મળશે. શરદીના સમયમાં નાકમાં તેલના ટીંપા નાખી શકો છો તેમજ શરીરના કેટલાક પોઈન્ટ દબાવીને સમસ્યામાં રાહત મેળવી શકો છો.
બંધ નાકથી થોડા જ સમયમાં રાહત મળશે
પ્રખ્યાત નિષ્ણાતે કહ્યું કે તમે યોગ પદ્ધતિથી બંધ નાકને તમે થોડી જ મિનિટોમાં ખોલી શકો છો. આ માટે તમે નાકના બંને નસકોરાના ખૂણા પર તમારી આંગળીઓથી હળવું દબાણ કરવાથી બંધ નાક ખુલવામાં મદદ મળે છે. તેવી જ રીતે, જો તમને રાત્રે સૂતી વખતે બંધ નાકનો અનુભવ થાય છે, તો તમારી ભમર વચ્ચેના બિંદુને દબાવવાથી નાકમાં શ્વાસ લેવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત નસકોરા જ્યાં બંધ હોય તે બાજુ હાથથી મુઠ્ઠી બનાવો અને તેને વિરુદ્ધ બગલ પર દબાવો. એટલે કે જો તમારું ડાબું નસકોરું બંધ હોય તો ડાબા હાથથી મુઠ્ઠી બનાવી અને તેને તમારા જમણા બગલની નીચે દબાવો. થોડીવાર આ સ્થિતિમાં રહો અને ઊંડો શ્વાસ લેવાનો અને શ્વાસ બહાર કાઢવાનો પ્રયાસ કરો. થોડા જ સમયમાં, તમને શ્વાસ લેતી વખતે રાહત લાગશે, અને તમારું બંધ નાક સાફ થવા લાગશે.


