- રાજ્યમાં હાર્ટએટેકના વધતા બનાવ
- સરકારે કરી મોટી જાહેરાત
- ઈડર-રાજકોટમાં 1-1ના મોત
રાજ્યમાં હાર્ટએટેકની રફ્તાર રોકાવાના બદલે સતત વધતી જ જઈ રહી છે. આજે રાજ્યમાં ઈડર અને રાજકોટમાં 1-1 એમ કુલ 2 લોકોના હૃદયરોગના હુમલાના કારણે મોત નિપજ્યા હતા. મહત્વનું છે કે હાર્ટએટેકના મામલે સરકારે પણ ગંભીર નોંધ લીધી છે.
હૃદયરોગના હુમલાના લીધે આજે રાજકોટમાં વધુ એક આધેડનું મોત થયું હતું. 52 વર્ષીય હિતેષ ભાટીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. માહિતી પ્રમાણે તે હેર સલૂનમાં આવ્યા હતા ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુ:ખાવો શરૂ થયો હતો અને તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જો કે ખાનગી હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આમ રાજકોટમાં આજે સાયલન્ટ કિલરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો.
આ ઉપરાંત ઈડરની એક મહિલાનું પણ હાર્ટ એટેકના લીધે મોત થયું હોવાની જાણકારી સામે આવી છે. ઈડરની મહિલા પણ આધેડ વયની જ હોવાનું સામે આવ્યું છે. 55 વર્ષીય પાર્વતીબેન પંચાલનું હૃદયરોગના હુમલાના લીધે મોત નિપજ્યું હતું. જેના લીધે રાજ્યમાં વધુ એક હાર્ટએટેકથી મોતની ઘટના નોંધાઈ હતી.
આ ઉપરાંત આજે સાબરકાંઠાના હિમંતનગર વિજાપુર હાઇવે પર ST બસ ડ્રાઇવરને ચાલુ બસમાં હાર્ટ એટેક આવ્યો હતો. જો કે ડ્રાઈવરે બસને કાબૂ કરી સાઈડમાં ઉતારી દેતા દુર્ઘટના ટળી હતી.. હાર્ટએટેક બાદ ST બસના ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સતત હૃદયરોગના હુમલાના કારણે લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. જેના લીધે સરકાર, જનતા અને મેડિકલ જગતના તબીબોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ મામલે જાણકારી અનુસાર સરકારે પણ એક મહત્વની ઘોષણા કરી છે. આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે હૃદયરોગના વધતા જતા કિસ્સાઓને લઈને 4 નવેમ્બરે યુએન મહેતા હોસ્પિટલમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે. જેમાં ડૉકટર્સ વિવિધ મુદ્દાઓ પર માહિતી આપશે તેમજ હૃદયરોગને લગતા છેલ્લા 5 વર્ષના આંકડા પણ રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા સરકાર દ્વારા એક કમિટી નીમવામાં આવી હતી જે હૃદયરોગના કેસને લઈને તપાસ કરવાની હતી.