- હાર્ટએટેકથી વધુ 2ના મોત
- સૌરાષ્ટ્રમાં હૃદયરોગના હુમલાની ઘટના
- રાજ્યમાં વધી રહ્યા છે મોતના બનાવ
સૌરાષ્ટ્રમાં આજે હાર્ટએટેક કાળ બનીને ત્રાટક્યો હતો. લખતરમાં એક જ દિવસમાં 2ના મોતથી સ્થાનિકોમાં હડકંપ મચી જવા પામ્યો છે. લોકોમાં હૃદયના ધબકારા બંધ થવાની ઘટનાના પગલે ખૂબ જ ભયનો માહોલ છે.
આ મામલે વધુ જાણકારી પ્રમાણે લખતર તાલુકામાં એક જ દિવસમાં બે વ્યક્તિને હાર્ટ અટેકની ઘટના સામે આવી છે. જેમાં લીલાપુર ગામના 48 વર્ષીય આલાભાઈનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.ભરવાડ સમાજના આલાભાઈ નારાયણભાઈ સાંભળ 48 વર્ષીય વ્યક્તિને રાત્રિના સમયે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
છ સંતાનોએ ગુમાવી છત્રછાયા
મહત્વનું છે કે મૃતક આલાભાઈને છ સંતાનો હોવાનું સામે આવ્યું જેમાં પાંચ દીકરી અને એક દીકરો છે જે 6 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગના સાયલન્ટ હુમલાના કારણે ગુજરાતમાં ઘણાં નાની વયના લોકોના અકાળે અવસાન થયા છે. આ વખતે આ હૃદયરોગના હુમલાઓમાં એકવાત ઘણી જ કોમન જોવા મળી રહી છે એ છે કે આ હૃદયરોગના હુમલાના લીધે લોકોને પોતાની જાતને સંભાળવા માટેનો સમય પૂરતી માત્રામાં નથી મળી રહ્યો. લોકો અચાનક કોઈ પણ કામ કરતા જ પડી જાય છે. જો કે આ મામલે સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી છે અને આ મામલાઓની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીનું નિવેદન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ મામલે એક મોટું નિવેદન આપ્યું હતું જેમાં કહ્યું હતું કે જે લોકોને સીવિયર કોરોના થયો હતો તેમણે 1-2 વર્ષ સુધી ભારે કસરત અને શ્રમ જેવી પરિસ્થિતિઓથી દૂર રહેવું જોઈએ. આમ હૃદયરોગના જોખમને નિવારવા માટે આ સૂચના સરકાર દ્વારા અપાઈ હતી.
હાર્ટએટેકની ઘટનાઓમાં વધારો
રાજ્યમાં સતત હાર્ટ એટેકના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે તબીબી આલમમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ અંગે એક તરફ રાજ્ય સરકારે કમિટીની રચના કરી છે તો બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને યુવાનોમાં જાગૃતિ અંગેના કાર્યક્રમો શરૂ કરવા જઈ રહ્યું છે.
છેલ્લા થોડાં જ મહિનાઓમાં કોરોના બાદ હાર્ટએટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ માટે ડૉ.તુષાર પટેલ AMA ના પ્રમુખે જણાવ્યું કે, કોરોના બાદ વધેલા હાર્ટ એટેક મુદ્દે રિસર્ચ શરૂ છે. હાર્ટ એટેકની વધતી ઘટનાથી તબીબ પણ ચિંતિત છે. જેના માટે ટૂંક સમયમાં જાગૃત્તિ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
AMA તરફથી કોરોના થયેલા યુવાનોને સલાહ
તેમજ યુવાનોને સલાહ આપતાં તબીબે જણાવ્યું કે, જે લોકોને સિવયર કોરોના થયો છે તેવા લોકોએ કસરત, વોકિંગ કે વજન ન ઉઠાવવો જોઇએ. કોરોના સમયે થયેલા ડેમેજને લીધે હાર્ટએટેકના કેસ વધ્યા છે તેવું પણ સામે આવી રહ્યું છે. જેના પર યોગ્ય રિસર્ચ થઈ રહ્યું છે. પરંતુ તેની સાથે જ યુવાઓમાં જાગૃતિ લાવવા માટે 9 નવેમ્બરથી વિશેષ લોકજાગૃતિ માટે કાર્યક્રમ યોજાશે.
સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસ મુદ્દે યુવાઓ માટે જાગૃતિ કાર્યક્રમ થશે. જેના માટે રેડ ક્રોસ સોસાયટીની સાથે ગુજરાત અને અમદાવાદ મેડિકલ એસો.દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન નિષ્ણાતની તબીબની ટીમ જરૂરી માર્ગ દર્શન આપશે. આ સાથે જ સરકાર સાથે પણ હાર્ટને લગતા કેસોને લઈ AMA રજુઆત કરશે અને ચર્ચા કરશે. જેનાથી યોગ્ય નક્કર પરિણામ મળી શકે.