- શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
- ફુરજા ચાર રસ્તા નજીક વરસાદી પાણી ભરાયા
- પાણી ભરાતા સ્થાનિકોને જનજીવન પર પડી અસર
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચના ફુરજા વિસ્તારમાં નિચાણવાળી જગ્યા પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે.ત્યારે સ્થાનિક તંત્ર દ્રારા પાણી દૂર કરવાની કામગીરી નથી કરાઈ તો રોડ પર પાણી પાણી થતા વાહનોના ટાયર પણ પાણીમાં ડૂબ્યા છે તો જનજીવન પર તેની માઠી અસર થઈ છે.
સ્થાનિકોમાં ખુશીનો માહોલ
ભરૂચમાં મૌસમની શરૂઆતમાં મેઘરાજા ક્યારે હાજરી પૂરાવશે તે પ્રશ્ન તમામને મૂંઝવી રહ્યો હતો.આખરે આજે તમામની આતુરતાનો અંત આવ્યો છે. ભરૂચ સહીત આસપાસના વિસ્તારમાં આજે મેઘ મહેર થઇ છે.વહેલી સવારથી આકાશમાં વાદળોનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે.સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.વરસાદના આગમન સાથે ગરમીમાં પણ રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વાતાવરણમાં બફારાનો અહેસાસ થઇ રહ્યો હતો.સ્થાનિકો ઉપરાંત ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાત રાજ્યભરમાં વરસાદની સંભાવના છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના સ્થળો પર વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ કચ્છમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં વરસી શકે છે.
આ જગ્યાએ આજે વરસાદ પડી શકે છે
ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, તેની સાથે મેઘગર્જના પણ સંભાવના છે.


