- વડોદરામાં 8 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ
- નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- પેટલાદમાં શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાયા
વડોદરા શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, 8 દિવસના વિરામ બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને શહેરીજનોને મેઘરાજાના આગમનથી બફારા અને ઉકળાટથી રાહત મળી છે. શહેરમાં વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
મેઘરાજાએ 8 દિવસનો વિરામ લીધો પણ તંત્ર જૈસે થેની જ સ્થિતિમાં
ત્યારે સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સવાલ એ છે કે વરસાદે 8 દિવસનો વિરામ લીધો અને કોર્પોરેશનને જરૂરી સમય પણ મળ્યો છતાં શહેરમાં વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.
આણંદના પેટલાદમાં પણ ધોધમાર વરસાદ
ત્યારે બીજી તરફ આણંદના પેટલાદમાં પણ મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે. શહેરમાં વરસાદના કારણે ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ચૂક્યા છે. શહેરના સ્ટેશન રોડ સહિત વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે, દુકાનો આગળ પણ વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તમને જણાવી દઈએ કે શહેરના વાતાવરણમાં સાંજના સમયે અચાનક પલટો આવ્યો હતો અને સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે આકસ્મિક ધોધમાર વરસાદ પડતા જનજીવન ઉપર સીધી અસર પડી છે.
રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી
તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે,પરંતુ કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. ઓફશોર ટ્રફ સક્રિય હોવાના કારણે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવેલી છે. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો. અત્યાર સુધી રાજ્યમાં 506 MM વરસાદ નોંધાયો છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આણંદ, ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી
વલસાડ, દમણ, નવસારી તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,પાટણ, મહેસાણા અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે તથા પોરબંદર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે.