બનાસકાંઠા જિલ્લાના ડીસા-રાધનપુર હાઇવે પર આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કરૂણ ઘટના હાઇવે પર સોતમલા ગામ નજીક બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, રોડ પર લાકડા ભરેલો એક ટ્રક ઉભો હતો. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલો અન્ય એક ટ્રક લાકડા ભરેલા ટ્રકની પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકના કેબિનનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો.
2 વ્યક્તિના મોત
આ ભીષણ અકસ્માતને કારણે ટ્રકમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને રાહત-બચાવની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા ભીલડી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હાઇવે પર બનેલા આ ગમખ્વાર અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જોકે પોલીસે વ્યવસ્થા સંભાળી લીધી હતી.


