આપણે એવી વાતની ચર્ચા કરી રહ્યા છીએ કે જેના ઉપર તમારી સંમતિ કે અસંમતિની આવશ્યકતા નથી, પણ તમારે ધ્યાન આપવું જરૂરી છે. આપણે જીવનને એકદમ કઠોરપણે જોઈએ છીએ, યર્થાથપણે જોઈએ છીએ, સ્પષ્ટપણે જોઈએ છીએ. આપણે તેને તમારી લાગણી, તમારી કલ્પના મુજબ કે તમને શું ગમે છે અને શું નથી ગમતું તે પ્રમાણે નથી જોતા. આ બધી આપત્તિ આપણને શું ગમે છે અને શું નથી ગમતું તેને લીધે જ સર્જાઈ છે. આપણે જે વાત કરીએ છીએ તે આ છે :
`આપણે ભયથી મુક્ત કેવી રીતે થઈએ છીએ? આ આપણી મોટી સમસ્યા છે, કારણ કે જો માનવી તેનો અંત ન લાવી શકે તો તેને કાયમ માટે અંધારામાં જીવવું પડે. મુજબ અનંતકાળ સુધી નહીં, પરંતુ સામાન્ય અર્થ પ્રમાણે આ જીવન પૂરતું છે. મારા માટે એક માનવી તરીકે આમાંથી બહાર નીકળવાનો ચોક્કસ ઉપાય હોવો જોઈએ અને ભવિષ્ય માટે કોઈ આશા રાખવાની હોય તેમ નહીં. શું હું માનવી તરીકે ભયથી સંપૂર્ણપણે, ભયનો જરા પણ અંશ ન રહે તે રીતે તેનાથી
મુક્ત થઈ શકું?
કદાચ તમે ક્યારેય તમારી જાતને આ પ્રશ્ન પૂછ્યો નથી, કદાચ તમે એ પ્રશ્ન એટલે નથી પૂછ્યો કે તમને એ ખબર નથી કે તેમાંથી કેવી રીતે બહાર નીકળવું, પરંતુ જો તમે ખૂબ જ ગંભીરતાપૂર્વક એ પ્રશ્ન પૂછો તો, તેનો કેવી રીતે અંત લાવવો એવા ઈરાદાથી નહીં, પરંતુ ભયની પ્રકૃતિ અને તેના બંધારણને શોધી કાઢવાના ઈરાદા સાથે જો એ પ્રશ્ન પૂછો તો જે ક્ષણે તમને જવાબ મળી જાય ત્યારે ભયનો આપોઆપ અંત આવી જાય. ત્યારે તમારે તેના વિશે કંઈ પણ કરવાનું રહેતું નથી.’
જ્યારે આપણે ભયથી સમાન હોઈએ અને તેની સાથે સીધા સંપર્કમાં આવીએ, ત્યારે નિરીક્ષક જ નિરીક્ષણ હોય છે, ત્યારે નિરીક્ષક અને જે વસ્તુનું નિરીક્ષણ થતું હોય તે (નિરીક્ષિત) વચ્ચે કોઈ તફાવત રહેતો નથી. જ્યારે ભયનું નિરીક્ષક વગર નિરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે ત્યાં ક્રિયા થાય છે, પરંતુ તે ક્રિયા નિરીક્ષક ભય સામે જે પ્રતિક્રિયા દર્શાવે તેવી ક્રિયા નથી હોતી.


