- તેઓ દ્રવ્ય ઉપચાર વગર પોતાનો રોગ કન્ટ્રોલ કરી શક્યા હતા
`ગુરુદેવ ! મારી ભાવના નવપદની ઓળીની આરાધના કરવાની છે. આપ મને આજ્ઞા આપો.’, `તમારી તબિયત સારી નથી, હજુ તો ગઈ કાલે જ તમને તપાસવા માટે વૈદ્યરાજને બોલાવેલા. એમણે શું કહેલું એ તમને યાદ છે ?’, `નવપદજીના પસાયથી બધું સારું થશે, એવો મને વિશ્વાસ છે.’
`વૈદ્યરાજનું કહેવું એવું છે કે, તમને ટીબી-રાજ્યક્ષ્મા નામનો રોગ થયો છે એના માટે તમારે ચરી પાળવી પડશે. અનુપાન લેવું પડશે અને નિયમિત દવા પણ લેવી પડશે. નવપદજીની ઓળીની આરાધનાની તમે વાત કરો છો અને એ પણ ઉપવાસથી હું તમને રજા આપું પછી લોકો મને શું કહેશે?’
`ભગવન્! લોકોની આપણે ક્યાં ચિંતા કરવાની છે? આપ ઔષધોપચાર અને અનુપાનની વાત કરો છો પણ મને તો એવો વિશ્વાસ છે કે ઉપચાર કરવાની જરૂર જ પડવાની નથી. ભગવન્! મહેરબાની કરો અને મને નવ ઉપવાસ કરવાની રજા આપો.’
આજથી સો વર્ષ પહેલાં એક ગુરુ-શિષ્ય વચ્ચે આ સંવાદ થયો હતો. ગુરુજીનું નામ મુનિશ્રી બુદ્ધિવિજયજી મહારાજ અને શિષ્યનું નામ હતું મુનિશ્રી શાંતિવિજયજી મહારાજ. તળાજાની બાજુમાં આવેલા ટાણા ગામમાં આ ઘટના બનેલી.
શાંતિવિજયજીની દીક્ષાને હજુ એકબે વર્ષ જ થયેલાં. એમની તબિયત બગડેલી. ગામમાં સારા વૈદરાજ હતા એમને બોલાવેલા. નાડી પરીક્ષણ કરીને નિદાન કરેલું એ સમયનો ભારે રોગ ક્ષય-ટીબી. થયેલો છે. તબિયત સાચવવી જરૂરી છે. એમને ઔષધોપચાર સાથે અનુપાનમાં દૂધ-ઘી વાપરવાં જરૂરી છે. આટલું કહીને વૈદ્યરાજ તો રવાના થઈ ગયા. એ પછી શાંતિવિજયજી મહારાજને ભાવ જાગ્યો ઓળી-શાશ્વતી ઓળી એટલે ચૈત્ર સુદ 7થી પૂનમ સુધીના નવ દિવસની આરાધના કરવી છે અને એ પણ ઉપવાસથી. એમણે ગુરુજી સમક્ષ પોતાના ભાવોને વ્યક્ત કર્યા.
આવી સ્થિતિમાં કોઈ પણ ગુરુજી પોતાના શિષ્યની ભાવનાનો સ્વીકાર કરી ન શકે, પરંતુ એમના ભાવ અને શ્રદ્ધાની સામે પરિસ્થિતિનો પરાજય થયો. ગુરુદેવે એમને ઉપવાસ કરવાની અનુજ્ઞા આપી, પણ એકસાથે નવ ઉપવાસના પરચખ્ખાણ નહીં કરવાના એક-એક દિવસના પરચખ્ખાણ કરજો એવું કહ્યું.
શાંતિવિજયજી પ્રસન્ન થઈ ગયા. પ્રસન્નતાપૂર્વક ઓળીની આરાધના કરી. દ્રવ્ય ઔષધોપચાર તો કરી શકાય એમ હતો જ નહીં, પણ ભાવ ઉપચાર એમણે ચાલુ કરી દીધા. પરમાત્મા ભક્તિ અને ઉપવાસ આ બેયના આધારે જ્યારે બીજી વાર વૈદ્યરાજ પોતાના પેશન્ટને ચેક કરવા આવ્યા. દર્દીની નાડી તપાસીને સંતોષ આવે એ બોલ્યા પરિસ્થિતિ સુધરી રહી છે. ઉપચાર બરાબર ચાલુ રાખજો.
એ સમયે ગુરુદેવે કહ્યું, આમણે નવ દિવસના ઉપવાસ કરેલા છે. હવે તો પારણાં પછી જ આપનો ઉપચાર કરવાનો રહેશે.
દ્રવ્ય ઉપચાર વગર એ પોતાના રોગનો કન્ટ્રોલ કરી શક્યા હતા. એમની પાસે તપ-ત્યાગ અને જાપની અદ્ભુત શક્તિ હતી. એના આધારે એમણે ઘણાંબધાં કાર્યો પણ કરેલાં. આત્માની શક્તિનું કોઈ માપ નથી હોતું, પણ એ શક્તિને કર્મનાં પડળમાંથી બહાર કાઢવાની હોય છે. તમે જો એને બહાર કાઢી શકો તો શક્તિનો અનુભવ કરી શકો. પૂજ્ય ગુરુદેવે જીવનકાળ દરમિયાન ઘણાંને આનો અનુભવ કરાવેલો. એ સમયે પાલિતાણામાં બિરાજમાન હતા. પાલિતાણા તો મંદિરોની નગરી છે. સિદ્ધામલ ગિરિરાજની સ્પર્શતાનું પણ અનેક આકર્ષણ હોય છે. એમાં પણ કોઈ પણ સાધનના ઉપયોગ વગર જાત મહેનતથી ઉપર ચઢવાનું અને પછી પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનની ભક્તિ કરવાનું મહત્ત્વ ઘણું વિશિષ્ટ હોય છે. પૂજ્ય ગુરુદેવ દાદાની યાત્રા કરવા ગયા હશે. દર્શન-વંદન-ભક્તિ કરતા વચ્ચે વિક્ષેપ પણ આવે. નીચે જવું પડશે. ગોચરી-પાણી. કેટલી ઝંઝટ? એના કરતાં ખાવાનું જ ન હોય તો ભગવાનની ભક્તિ કેવી સરસ રીતે કરી શકાય? નીચે ઊતરવાની કોઈ ઉતાવળ જ નહીં. આવી વિચારણા ચાલી રહી હશે ત્યારે અંદરથી અવાજ ઊઠે ખાલી વિચાર કરવાનો ન હોય, અમલ કરવાનો હોય. તો કરી લઉં ઉપવાસનું પચ્ચખાણ! અને ઉપવાસનું પચ્ચખાણ કરી લીધું. મનમાં સંકલ્પ પણ કરી લીધો એક મહિનાના ઉપવાસ કરવા છે. દાદાને વિનંતી પણ કરી લીધી મારો સંકલ્પ છે પૂરા મહિનાના ઉપવાસ કરવાનો, પણ પૂરો તો તમારે જ કરાવવાનો છે અને ભગવાને પણ વિનંતી સાંભળી માસખમણ- એક મહિનાના ઉપવાસ કર્યા. એટલું જ નહીં વીસમા ઉપવાસના દિવસે એમને ભાવ જાગ્યો કે મારે આદિનાથ દાદાનાં દર્શન કરવા છે. બસ, ભાવ જાગે એટલે કામ તો કરવાનું. કરવાનું એટલે શું આપણે તો પ્રયત્ન કરવાનો. બાકી કરવાનું તો એને જ છેને? જેવી રીતે એણે મહિનાના ઉપવાસ કરાવ્યા એ જ રીતે એ યાત્રા પણ કરાવશે. આપણે શા માટે ચિંતા કરવાની?
ઉપાશ્રયમાં બેઠા બેઠા એમણે ભગવાનને રિક્વેસ્ટ કરી ને દાદાએ સાંભળી પણ ખરી. આવી ભાવના સાથે જ્યારે કોઈ પણ કાર્ય થાય છે ને એ વિશિષ્ટ પ્રકારની ઉપલબ્ધિ આપી જતી હોય છે.
આવી જ રીતે એક વાર વિચાર આવ્યો છઠ્ઠથી વરસીતપ કરવાનો છે. સારા વિચારનો અમલ તરત કરી લેવો નહીં તો વિચાર બદલાઈ જવાની સંભાવના નકારી શકાય નહીં. શાંતિવિજયજી મહારાજાએ પોતાના વિચારને અમલમાં મૂકી દીધો. છઠ્ઠથી એટલે કે બે ઉપવાસ પારણું બે ઉપવાસ આ રીતે એક વર્ષ સુધી કરવાનું. આવા વરસીતપની આરાધના કરી.
શુભ ભાવોની સાથે જે આત્મા આગળ વધવાનો પ્રયાસ કરતો હોય એમાં એને ચોક્કસ સફળતા મળી જ. સાથે એક વાત એ પણ સાચી હોય કે એમને પોતાના સ્વાર્થની કોઈ ચિંતા-વિચારણા નથી હોતી, આશીર્વાદ આપવાનું કોઈ મૂલ્ય ચૂકવવાનું ન હોય, એ તો માત્ર સમજવાનું હોય. જોકે, આવા મહાત્માઓના આશીર્વાદ ઘણી વાર મુશ્કેલ કામોને સહેલાં બનાવી દેતા હોય છે.
એ દિવસોમાં ગુરુદેવ માઉન્ટ આબુની આસપાસમાં વિચરી રહ્યા હતા. જ્યાં પણ જાય પોતાનાં ચરિત્ર અને ચારિત્રથી બધાના શ્રદ્ધાના કેન્દ્ર બનતા હતા. એમને વંદન કરીને જ પોતાના કામે લાગવાનો બધાનો નિયમ. માત્ર જૈનો જ આવે એવું પણ નહીં, જે આવે એ આશીર્વાદ લઈ જાય. આશીર્વાદના કારણે પોતાને શાતાની અનુભૂતિ થાય ત્યારે એ બીજાને પણ વાત કરે. મોટા બાપજીના આશીર્વાદ લીધા એના પ્રતાપે મને કેવી સુખશાંતિ મળી રહી છે. આ રીતે આ વાત આગળ વધતાં વધતાં ત્યાંના રાજવીના કાને પણ પહોંચી. સાંભળ્યા પછી એમને વિચાર આવ્યો. પરણ્યાને ઘણાં વરસો વીતી ગયાં પણ દીકરાના ઘરે પારણું બંધાતું નથી. સમય જતો રહેશે, પછી જો કંઈ ન થાય તો રાજ્યનો વારસદાર ક્યાંથી લાવવાનો?
ઘણા સમયથી ચિંતા તો સતાવતી જ હતી. એવા સમયે ગુરુદેવનું ચાતુર્માસ એમના ગામમાં હતું. એમના પ્રભાવના સમાચાર પણ જાણવામાં આવ્યા હવે એમને મળવું જ પડશે. ગુરુદેવને મળ્યા. વિનંતી કરી. આપનો શિષ્ય કેવી તકલીફમાં છે અને શિષ્યની તકલીફ ગુરુ દૂર ન કરે તો કોણ કરે? એટલે આપની પાસે આવ્યા છીએ. રાજ્યના વારસદારની ખામી છે. આપ આશીર્વાદ આપો તો…
એમની વાત સાંભળીને ગુરુજીએ એટલું જ કહ્યું બધું આપણાં કર્મના આધારે ચાલતું હોય છે. ભગવાનની ભક્તિ આપણાં કર્મને પણ ક્યારેક ફેરવવાનું કામ કરે છે. ભગવાનની ભક્તિના એક અનુષ્ઠાનનું તમારા મહેલમાં આયોજન કરાવો એનાથી તમારી મનોકામના પૂર્ણ થશે.
બાપજી, આપને જે કરાવવું હોય એ કરાવો, પણ મારું કામ થાય એવું કરો. એમના મહેલમાં જ એક ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યું, એના પછી થોડા જ સમયમાં પુત્રનો જન્મ થયો.
ત્રીસ વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધેલી. તપ-જપ અને સ્વાધ્યાય એ જ એમનું જીવન હતું. રાત્રે બધાને સૂવાનો સમય હોય ત્યારે એમને જાપ કરવાનો સમય થાય. ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઉકળાટને સ્થાન જ ન હોય. સમભાવથી સામેવાળાને પાણી પાણી કરી દેવાની અજબ તાકાત એમનામાં જોવા મળતી.
છેલ્લા કેટલાક સમયમાં શરીરનો સહકાર ઓછો રહેતો. ઉંમરની સાથે રોગોએ પણ શરીર ઉપર આક્રમણ કરેલું, પણ આ મહાત્માને એની બહુ ચિંતા ન રહેતી. છેલ્લા બે ચાતુર્માસ બનાસકાંઠાના ભાભર નામના નાના ગામમાં પસાર કરેલા.
એ સમયે એમના એક પ્રશિષ્યને ધાર્મિક અનુષ્ઠાન દ્વારા પ્રમોશન આપવાનો પ્રસંગ હતો. છ મહિનાથી વધારે ચાલનારા આ અનુષ્ઠાનમાં વિશિષ્ટ રીતે તપ અને ક્રિયા પણ કરવાની હોય છે. ગુરુદેવને એ પ્રશિષ્ય માટે વિશિષ્ટ લાગણી. પદપ્રદાન કરવાના પાંચ દિવસ પહેલાં શારીરિક રીતે અસ્વસ્થતા હતી. બધાને ચિંતા હતી શું થશે? એ સમયે ગુરુદેવે શિષ્યને સ્પષ્ટ કહ્યું કે તારે ચિંતા કરવાની જરૂર નથી. તારું કામ (પદ પ્રદાન કરવાનું) કર્યા વગર હું જઈશ નહીં.
એ પદ પ્રદાનના બરાબર પંદર દિવસ પછી જેઠ-વદ 4નો દિવસ આવ્યો. એમના શરીરની અસ્વસ્થતા વધતી ગઈ. સવારથી જ બધા ગુરુદેવના સંથારા (પથારી)ની આસપાસમાં આવી ગયા હતા. બધાના મનના વિચારો ગુરુદેવના સ્વાસ્થ્ય માટેના હતા, પણ એમના વિચારો તો આગળના પડાવના ચાલી રહ્યા હશે. બસ, હવે આ લોકનો સંબંધ પૂરો થયો. નવા લોકની સાથે નવા શરીરથી નવી યાત્રાની તૈયારી કરવાની. આવા જ વિચારો મનમાં ચાલી રહ્યા હશે. ઘડિયાળનો કાંટો આગળ વધી રહ્યો હતો. એણે બે-વીસનો સમય બતાવ્યો. પૂજ્ય ગુરુદેવે સંથારામાં સૂતાં સૂતાં નવકારમંત્ર સાંભળતાં સાંભળતાં છેલ્લા શ્વાસ મૂક્યા. સકલ સંઘને વિલાપ કરતો છોડીને પરલોકના પંથે પ્રયાણ આદર્યું. વિક્રમ સંવત 2029 જેઠ વદ 4ના દિવસે એમણે પ્રાણ ત્યાગ કર્યો.