ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સાતમા મુકાબલામાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ટકરાશે. પરંતુ રાવલપિંડીમાં વરસાદને કારણે મેચ શરૂ થઈ શકી નહીં. ગ્રુપ Bની આ મેચ સેમિફાઈનલની રેસ પર ઊંડી અસર કરી શકે છે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા, બંને પોતાની પહેલી મેચ જીતીને આવી રહ્યા છે અને આ મેચમાં જીત મેળવનાર ટીમોમાંથી એક ટીમ સેમિફાઈનલની ખૂબ નજીક પહોંચી જશે. પરંતુ ખરાબ હવામાનને કારણે મેચ ડ્રો થવાની શક્યતા છે. તો તમને જણાવી દઈએ કે જો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ ડ્રો થાય તો સેમિફાઈનલનું સમીકરણ શું હશે?
જો મેચ ડ્રો થાય તો સેમિફાઈનલ સમીકરણ
જો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ ડ્રો થાય તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. આ સાથે, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા બંને બે-બે મેચ રમ્યા બાદ ત્રણ-ત્રણ પોઈન્ટ મેળવી લેશે. જો કોઈપણ ટીમ આ મેચ જીતે છે તો સેમિફાઈનલમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. પરંતુ જો મેચ ડ્રો થાય તો ગ્રુપ Bમાં સેમિફાઈનલ માટેની રેસ છેલ્લી મેચ સુધી ચાલુ રહી શકે છે.
ગ્રુપ Bની ચારેય ટીમ માટે આશા જીવંત
ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન પોતાની પહેલી મેચ હારી ગયા છે. જો દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ડ્રો થાય છે, તો ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાને ખાતરી કરવી પડશે કે તેઓ આગામી બંને મેચ જીતે કારણ કે આમ કરવાથી તેમના 4 પોઈન્ટ થશે. બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જો આજની મેચ ડ્રો થાય છે, તો અફઘાનિસ્તાન કે ઈંગ્લેન્ડ, આ બંનેમાંથી કોઈ એક ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જશે. કારણ કે બંને ટીમોની એકબીજા સાથે હજુ મેચ રમવાની બાકી છે.
ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ ડ્રો રહી હતી, અને જો ઈંગ્લેન્ડ અથવા અફઘાનિસ્તાન તેમની આગામી બે મેચ જીતે છે, તો હાલમાં ટોપ 2 માં રહેલી ટીમો, ઓસ્ટ્રેલિયા અથવા દક્ષિણ આફ્રિકા, બહાર થઈ શકે છે.
ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડ સેમિફાઈલમાં પહોંચ્યા
ગ્રુપ A ની વાત કરીએ તો, ભારત અને ન્યુઝીલેન્ડ પહેલાથી જ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. બંને ટીમોના હાલમાં ચાર-ચાર પોઈન્ટ છે, બીજી તરફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ બે-બે મેચ હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ગ્રુપ A માં હજુ 2 મેચ રમવાની બાકી છે.


