ગામમાં એક નાટકકંપની આવેલી છે. જાતજાતનાં નાટકો કરે અને નગરજનોના મનોરંજનનું કારણ બને. એ દિવસે નટકન્યાએ પોતાની કળાનો એક અદ્ભુત પરિચય કરાવેલો. તકલીફની વાત તો ત્યારે બની કે એક યુવક તે દિવસે આ કાર્યક્રમ નિહાળવા માટે આવેલો. એણે આ નટકન્યાની કલા જોઈને નિર્ણય કરેલો કે, `મારે પરણવું તો આ કન્યા સાથે જ, અન્યથા હું કોઈની પણ સાથે લગ્ન કરીશ નહીં.’
ઘટના એવી બનેલી કે ઈલાવર્ધન નામના નગરમાં એક ધનવાન શેઠ દનદત્ત રહેતા હતા. એમની પત્નીનું નામ ધારિણી હતું. એમના એકના એક દીકરાનું નામ ઈલાચીકુમાર હતું. એ નટડીનો કાર્યક્રમ જોવા માટે ગયો. એની કળા જોઈને કે પછી એના રૂપને જોઈને એ પોતાનું દિલ આપી બેઠો. જ્યારથી પેલી નટડીને જોઈ ત્યારથી એનો બીજા કોઈ જ કામમાં રસ નથી પડતો. અરે! એને ખાવા-પીવાનું પણ મન નથી.
એનાં માતા-પિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમણે ઘણો સમજાવ્યો. બેટા, આવી જીદ છોડી દે. ક્યાં આપણું કુળ અને ક્યાં આ કન્યા. અરે! તારા માટે સારામાં સારી કન્યા શોધીશું. માતા-પિતાની કોઈ વાત ઈલાચીકુમારના મગજમાં ઊતરતી નથી. એના મગજમાં પેલી નટકન્યા જ ઘુમરાતી હોય છે.
નટકન્યાના પિતાજી પાસે જઈને એણે વાત કરી. એના પિતાએ કહ્યું, તારી ઇચ્છા તો સારી છે, પણ અમારા નટપરિવારમાં એવો નિયમ છે કે આપણી કન્યા એને જ આપવી જે નટકલાને જાણતો હોય. એટલે જો તારી ઈચ્છા મારી કન્યાને મેળવવાની હોય તો તારે નટકલા શીખવી પડે.
ઇલાચીએ નક્કી કરી લીધું. આ કન્યાને મેળવવા માટે મારે જે કરવું પડશે એ કરીશ. એણે તો બીજા જ દિવસથી અભ્યાસ કરવાનો પ્રારંભ કરી દીધો.
એક વર્ષમાં તો એ નટકલાનો વ્યવસ્થિત કલાકાર થઈ ગયો. જ્યારે એની માસ્ટરીનો અહેસાસ એને થયો ત્યારે એ ફરીથી કન્યાના પિતા પાસે ગયો. આપની આજ્ઞાનુસાર હું નટકલા શીખી ગયો છું. હવે આપની કન્યા સાથે મારાં લગ્ન કરાવો.
મારી કન્યા સાથે લગ્ન કરવાની તારી ઈચ્છા પૂર્ણ કરવી હોય તો હવે તારે એક પરીક્ષા આપવાની રહે છે. ઈલાચી વિચારે છે. આ માણસની દાનત શું છે? એ સમજાતું નથી. એ સાચે જ એની કન્યા આપશે કે નહીં. છતાં એણે પૂછ્યું હવે કઈ પરીક્ષા મારે આપવાની છે? એ જણાવો.
કોઈ પણ એક રાજાને તારી કળા બતાવવાની. એ જોઈને રાજા પ્રસન્ન થઈને ઇનામ આપે તો તું પાસ થાય અને જો ઈનામ ન આપે તો તારે હજુ પણ આગળ અભ્યાસ વધારવો પડે.
બેન્નાતટનગર નામના ગામમાં આખી મંડળી જાય છે. ત્યાંના રાજાને રિક્વેસ્ટ કરી મારે તમને મારી કળા બતાવવી છે. આપના અભિપ્રાયના આધારે મારા ભવિષ્યની ઉપલબ્ધિ થવાની છે. આપ કૃપા કરીને મારી કળાનાં દર્શન કરો. આપને આનંદ મળશે અને અમને કંઈક વેતન પણ મળશે.
આની સાથે રાજાજીને પોતાની વાત સમજાવી. આ નટકન્યા સાથે મારે લગ્ન કરવાં છે. નટકુળનો આ રિવાજ છે કે રાજા પ્રસન્ન થઈને ઈનામ આપે તો જ એની સાથે લગ્ન થાય, એટલે આપ પ્રસન્ન થાવ એ આશાથી આપને અમારી કળા બતાવવી છે.
રાજાએ કહ્યું, વાંધો નહીં. તમે તમારી તૈયારી કરો અને પછી મને જણાવો એ દિવસે હું હાજર થઈશ. તમારી કળા જોઈને અવશ્ય હું તમને ખુશ કરીશ.
રાજાએ વાત તો સરસ કરી, પણ એના ચિત્તમાં પણ દાનવ જાગેલો હતો. નટકન્યાએ એનું દિલ પણ ચોરી લીધેલું હતું. કન્યા બિચારી એક છે અને ઉમેદવાર હવે બે થઈ ગયા. રાજા વિચાર કરે છે મારે આ કન્યા જોઈએ. એ કેવી રીતે મળે એના જ વિચારો એના મગજમાં ચાલુ થઈ ગયા.
ઇલાચીને આ વાતની ક્યાંથી ખબર હોય? એણે તો પોતાની કળા બતાવવાની તૈયારી કરી બે સાઈડમાં દોરી-મજબૂત દોરી બંધાવી છે. નીચે પેલી કન્યા ઊભી ઊભી ઢોલ વગાડી રહી છે. એને પણ ઇલાચી માટે અનહદ લાગણી જાગી છે. એને ઈલાચી ઉપર રાજા પ્રસન્ન થાય એની ઈંતેજારી હતી.
એ તો દોરી ઉપર ચઢ્યો અને એના ઉપર ચાલતાં ચાલતાં ડાન્સ કરી રહ્યો છે. ઇલાચીના મનમાં એક જ વાત ચાલે છે. બસ હવે થોડા જ સમયમાં રાજા પ્રસન્ન થશે. ઈનામ આપશે અને નટકન્યા મને મળશે.
ઇલાચી દોરડા ઉપર ચઢીને નૃત્ય કરી રહ્યો છે. એનું બેલેન્સ સાચવીને પણ શરીરના હલનચલનને જોઈને રાજા ખુશ તો થઈ ગયો, પણ ખુશી બતાવે તો કન્યા ઈલાચીને મળે અને એ રાજાને પસંદ નથી.
રાજાના મનમાં એક વિચાર આવી ગયો. આ માણસ થાકે અને બેલેન્સ ચૂકી જાય તો મારું કામ થઇ જાય. બધા પોતાના સ્વાર્થની ચિંતા કરતા હોય છે. ભલેને એમાં સામેના માણસને ગમે એટલી તકલીફ પડે. એની મારે શા માટે ચિંતા કરવાની જ હોય.
રાત પસાર થઈ રહી છે. ઈલાચીનાં નૃત્ય અલગ અલગ પ્રકારથી ચાલી રહ્યાં છે, પણ હવે એનું શરીર પણ થાકનો અનુભવ કરી રહ્યું છે. એ પણ વિચાર કરે છે. હવે જલદી રાજા કંઈક જાહેરાત કરે તો સારું. હવે કેટલીકવાર આ રાજા પરીક્ષા લેશે?
રાજા પણ નાટક કરે છે, કારણ કે નટકન્યા જ દેખાતી હોય છે. રાત પૂરી થઈ સવાર પડી ગઇ. સૂર્ય ઊગ્યો, પણ હજુ રાજાના મનમાંથી અંધકાર ગયો નથી. એ પોતાના મુખથી કંઈ જ બોલવા રાજી નથી. ઇલાચી હવે થોડો અસમંજસમાં પડી ગયો છે. હકીકતમાં આ શું થઈ રહ્યું છે!
નટકન્યાને પણ ખ્યાલ આવી ગયો છે કે ઈલાચી હવે થાકી ગયો છે. આમ ને આમ હવે વધારે ચાલશે તો કંઈ પણ નવાજૂની થઈ શકે એમ છે. એટલે ઢોલ વગાડતાં ઢોલની ભાષામાં જ ઈલાચીને સંદેશો પાઠવે છે આટલી મહેનત કરી અહીંયાં સુધી પહોંચ્યા હવે થોડા માટે હિંમત હારવાની ન હોય. હવે તો થોડા જ સમયમાં આપણે પરિણામ સુધી પહોંચવાનું છે તો આ સમય પ્રમાદનો નથી.
ઇલાચીની વ્યગ્રતામાં વધારો થાય છે. સૂર્ય તો ઉપર ઊઠવા લાગ્યો છે, ગરમી પણ વધવા લાગી કે આખી રાતનો પરિશ્રમ ગરમીના કારણે વધવા લાગ્યો. મધ્યાહ્નનો સમય થયો છે.
એક નવી ઘટનાનો ઉદય થયો છે. વાત એવી બનેલી એક સાધુ મહાત્મા ગૌરી આહાર ગ્રહણ કરવા માટે નીકળ્યા છે. આહાર ગ્રહણનો સમય થાય ત્યારે સાધુ મહારાજ વિધિપૂર્વક આહાર ગ્રહણ કરવા જાય. એમને પહેલાંથી નક્કી તો હોય નહીં કે મારે અમુક વ્યક્તિના ઘરે જવું. એ તો પોતે જ મકાન-ઉપાશ્રયમાં રહેલા હોય ત્યાંથી ગુરુ મહારાજની આજ્ઞા લઈને નીકળવાનું હોય. સાથે બીજા પણ મહાત્માઓ હોય તો એમના માટે પણ આહાર ગ્રહણ કરીને એમને પણ આપવાનો હોય. ઘણીવાર એક સાધુ મહારાજ આહાર ગ્રહણ કરવા જાય, પણ એમાંથી વાપરવા(ખાવા)વાળા વધારે પણ હોય. (ઉપાશ્રયમાં જેટલા સાધુ મહારાજ હોય એ બધા કંઈ આહાર લેવા ન જાય. એમની પણ અમુક વ્યવસ્થાઓ હોય છે.)
હા, તો એ મહાત્મા ભૂમિ ઉપર નજર રાખતા ધીમાં ધીમાં ડગલાં ભરતા ચાલી રહ્યા છે. ચાલતા વખતે સતત નીચી નજરો હોય. આસપાસમાં જોવાની જરૂર ન હોય, કેમ કે કુતૂહલવૃત્તિનો એમણે ત્યાગ કરેલો છે. મનને એમણે શાંત કરી દીધું છે.
દોરડા ઉપર ઊભેલો-નૃત્ય કરી રહેલો ઇલાચી આ મહાત્માને જોઈ રહ્યો છે. એ મનોમન કલ્પના કરે છે. આ મહાત્માની ઉંમર કંઈ વધારે તો નથી જ. હશે પચ્ચીસ-સત્તાવીશ વર્ષની. તપના કારણે કાયા કૃશ થઈ ગઈ છે. એક મકાનમાં અંદર પ્રવેશ કરવાનો વિચાર કરીને એના દરવાજા પાસે ઊભા રહીને `ધર્મલાભ’ બોલ્યા.
એક સુંદર યુવતીએ એ યુવાન મુનિને આમંત્રણ આપ્યું. પધારો ભગવન્, મને લાભ આપો. મહાત્માની નજર જમીન ઉપર છે. પેલી સુંદરી તાજા જ બનાવેલ મોદકનો થાળ લાવી. મુનિને વિનંતી કરે છે. ભગવાન આ મોદકને ગ્રહણ કરો. મારા ઘર માટે બનાવેલા છે. નિર્દોષ છે, આપ એનો સ્વીકાર કરો.
મહાત્મા કહે છે મારે `ખપ’ નથી. પેલી યુવતી વારંવાર વિનંતી કરે છે. `લ્યો લ્યો કહે લેતા નથી.’ ઈલાચીની નજર હવે ત્યાંથી હટતી નથી. આંખો ત્યાં જ મંડાયેલી છે, પણ જુએ એ પોતાની જાતને પેલા મહાત્માને સરસ મજાના લાડુ પેલી સુંદરી આપવા માટે પ્રયત્ન કરી રહી છે, એની સામે પણ એ જોતા નથી અને હું કેવો છું, આ નટકન્યામાં મોહી પડ્યો છું. ગઈ કાલની રાતથી મારા રાગનો તમાસો હું જોઈ રહ્યો છું. ધિક્કાર છે મને કે આમાં હું ફસાયો, પણ હવે મારે આમાં ફસાવું નથી. ભલે આ ડાન્સ પૂરો થાય – રાજા પ્રસન્ન થાય કે ન થાય, મારે તો મારા આતમરાજને પ્રસન્ન કરવા છે. હવે એની દૃષ્ટિ બદલાઈ. એનાથી એની આંતરિક સૃષ્ટિ પણ બદલાઈ.
વિચારોમાં એવો ઊંડો ઊતરી ગયો કે એ જ સમયે એને કેવલજ્ઞાન થઈ ગયું. દેવતાઓએ આવીને એમને મુનિવેશ આપ્યો. રાજા વગેરેને પણ બોધ આપીને એ ચાલી નીકળ્યા.
જીવને જાગવા માટે વિચારધારા બદલવાની જ જરૂર હોય છે. આપણી વિચારધારા પણ બદલાય તો સાચા અર્થમાં અભ્યુદય થયા વગર રહે નહીં.


