- ગિરનાર ઉપર સતત ચોથા દિવસે પણ વેપારીઓ દ્વારા વિરોધ યથાવત
- આજે વેપારીઓ દ્વારા ટેટ્રા પેકિંગને લઈને પણ વિરોધ કરાયો
- ગિરનાર ઉપર પ્લાસ્ટિકની બોટલ ઉપર પ્રતિબંધ
ગિરનાર ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મુકાયા બાદ પીવાના પાણીની બોટલ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગિરનાર પર્વત પરના વેપારીઓને વોટર-જગ આપવામાં આવ્યા છે, પરંતુ અહીં આવતા પ્રવાસીઓ વોટર-જગમાંથી લૂઝ પાણી પીવા તૈયાર ન હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે. પાણીને લઈ તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે એવી માંગ સાથે ગિરનાર પર્વત પર દુકાનો ધરાવતા વેપારીઓ છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર ઊતરી ગયા છે. દુકાનો બંધ રહેતાં પર્વત પર આવી રહેલા પ્રવાસીઓ પરેશાન જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં શિવરાત્રિ આવી રહી હોઈ, તંત્ર આ સમસ્યાનો હલ નિકાળે એવી વેપારીઓ અને પ્રવાસીઓ માગ કરી હતી.
પાણીની બબાલ
તો બીજી તરફ તંત્ર દ્વારા વેપારીઓને ટેટ્રા પેકિંગમાં પાણી વેચવાની વ્યવસ્થા કરવાની તૈયારીઓ બતાવી હતી, પરંતુ વેપારીઓ દ્વારા ટેટ્રા પેકિંગ નો પણ વિરોધ કરવામાં આવ્યો છે.પેકિંગ જે ભાવમાં વેપારીઓને પડે છે તે ભાવથી કોઈ ગ્રાહક ખરીદ કરી શકશે નહીં તેમજ ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિર સુધી પાણી પહોંચાડવાનો ખર્ચ પણ પરવડે તેમ નથી જેથી ટેટ્રા પેકિંગ ના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવે તેવી રજૂઆત વેપારી દ્વારા કરવામાં આવી છે,અને ટ્રેટ્રા પેકિંગ સિવાય અન્ય કોઈ વિકલ્પ હોય તો તેની પણ વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે.
સમસ્યાનુ લાવો નિરાકરણ
સતત ચાર દિવસથી ગિરનાર પર્વત ઉપર આવતા યાત્રીઓને પાણી વિના ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉનાળાની સિઝન આવી ગઈ છે ત્યારે 10 હજાર પગથિયાં ચડીને ઉપર દર્શન માટે જતા યાત્રાળુઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાગણી પણ પ્રવર્તી રહી છે.


