રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી અને વાવેતર સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વિંછીયા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વિંછીયા તાલુકાના અમરાપુર ગામની સીમમાં એક ખેડૂતે કપાસના પાક વચ્ચે ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કર્યું હોવાનો પર્દાફાશ થયો છે.
કપાસના પાક વચ્ચે ગાંજાનું ગેરકાયદેસર વાવેતર
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ, વિંછીયા પોલીસ મથકના પીઆઈ એ.સી.ની ટીમે અમરાપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં દરોડો પાડ્યો હતો. આ વાડીના માલિક શામજીભાઈ સવાભાઈ ઝાપડીયા (ઉં.વ. 61) એ પોતાની વાડીમાં કપાસના પાક વચ્ચે વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું પોલીસને જણાયું હતું.
₹5.27 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ખેતરમાંથી લીલા ગાંજાના કુલ 13 છોડ કબજે કર્યા હતા. આ છોડનું વજન કરતાં તે 14 કિલો અને 110 ગ્રામ જેટલો થયો હતો, જેની કિંમત આશરે ₹5,27,000/- આંકવામાં આવી છે. પોલીસે ગાંજા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹5.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થનું વાવેતર કરનાર ખેડૂત શામજીભાઈ ઝાપડીયાની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ ચાલુ છે.


