- BRTS બસોમાં 22નો વધારો
- કુલ 67 BRTS બસ મેદાન સુધી દોડશે
- મેટ્રોના સમયમાં પણ વધારો કરાયો છે
ભારત પાકિસ્તાન મેચને લઈને અમદાવાદ મનપાએ મોટો નિર્ણય કર્યો છે. શહેરમાં મોટી સંખ્યામાં લોકોને મેચ દરમિયાન મેદાન સુધી પહોંચી શકાય તેમજ પરિવહનમાં શહેરીજનોને કોઈ અગવડ ન પડે તે માટે મેટ્રો, AMTS અને BRTSની ફ્રિકવન્સીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મનપાનો મોટો નિર્ણય
અમદાવાદ મનપાએ નિર્ણય લીધો છે કે દર્શકોને મેદાન સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે ભારત પાકિસ્તાન મેચ દરમિયાન 22 જેટલી વધારે BRTS બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી બીઆરટીએસની 45 બસો દોડતી હતી જેમાં વધારો થતા મેચના દિવસે કુલ 67 બસ દોડતી હશે.
તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ
તંત્ર દ્વારા દર્શકોને મેદાન સુધી પહોંચવામાં તેમજ પરત ફરવામાં કોઈ પણ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરાઈ રહી છે. મેટ્રોને લઈને પણ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં દર્શકો માટે મેટ્રોના સમયમાં રાત્રે 1 વાગ્યા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
મેટ્રોનો સમય વધારાયો
વર્લ્ડ કપ ક્રિકેટ મેચના દિવસે મેટ્રો ટ્રેન સેવાઓ સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે.રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસ દ્વાર જ ખોલવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર પ્રવેશદ્વાર ઉલ્લેખિત તારીખે રાત્રિના 01:00 કલાકે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા તથા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે 50નાં નિશ્ચિત દરે ખરીદી શકાશે.