પાકિસ્તાનમાં ઇમરાન ખાનની અવાજને જન-જન સુધી પહોંચાડવાનું કામ મોહમ્મદ સોહેલ અફરીદી કરી રહ્યા છે. રવિવારે કોહાટમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાન્ય જનતા થી લઈને પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફના હજારો સમર્થકો જોડાયા હતા.આ રેલીમાં “હકીકી આઝાદી”નો નારો ગુંજ્યો હતો.
આઝાદી અથવા મોતનો સંદેશ આપ્યો
અફરીદીએ પીટીીઆઈ સમર્થકોને કહ્યું કે જો વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવે તો “તૈયાર રહેજો” અને કહ્યું કે અમે દેશના હાલના શાસકો સામે મળીને અમારી હકીકી આઝાદી એટલે કે અસલ સ્વતંત્રતા મેળવીશું. અફરીદીએ ભીડને યાદ અપાવ્યું કે જેલમાં બંધ પીટીીઆઈના સ્થાપક ઇમરાન ખાનને જેલમાંથી “આઝાદી અથવા મોત”નો સંદેશ આપ્યો હતો.
કાં તો ઇમરાનની આઝાદી, કાં તો કફને
રિપોર્ટ પ્રમાણે તેમણે ઇમરાન ખાન અંગે વધુમાં કહ્યુ કે જો અમે આ વખતે આગળ વધીએ છીએ, તો અમે અથવા તો કફનમાં પરત ફરીશું અથવા તો આઝાદી લઈને પરત આવશું. તેમણે આગળ કહ્યું કે ઇમરાને સરકાર સાથે વાતચીત કરવા અથવા વિરોધ પ્રદર્શન જેવા નિર્ણયો લેવાની જવાબદારી પખ્તૂનખ્વા મિલી અવામી પાર્ટી (પીકેએમએપી)ના અધ્યક્ષ મહમૂદ ખાન અચકઝઈ અને સેનેટર અલામા રાજા નાસિર અબ્બાસને સોંપી છે.
હકીકી આઝાદીનો લગાવ્યો નારો
આ બંને નેતાઓ પીટીઆઈ સાથેના વિપક્ષી ગઠબંધન તહરિક-એ-તહફ્ફુઝ આઈન-એ-પાકિસ્તાન ટીટીએપીનો એક ભાગ છે, જેમણે તેમને નેશનલ એસેમ્બલી અને સેનેટમાં વિપક્ષના નેતાઓ તરીકે પણ નામિત કર્યા છે. અફરીદીએ કહ્યું, મારા તરફથી, મેં તેમની સાથે મુલાકાત કરી છે અને દરેક પ્રકારના સમર્થનનો આશ્વાસન આપ્યું છે. તેમણે આગળ ઉમેર્યું, એટલે જ્યારે પણ તેમની તરફથી કોઈ બોલાવવામાં આવશે, ત્યારે તમને તૈયાર રહેવું પડશે. અને અમે મળીને દેશના હાલના શાસકો પાસેથી હકીકી આઝાદી મેળવીશુ.


