- ગોવામાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી
- ઉડાન પહેલા જ મિગ-29નું ટાયર ફાટ્યુ
- સદનસીબે કોઇ જાનહાનિ નહી
ગોવાના ડાબોલિન એરપોર્ટ પર મંગળવારે એક મોટી દુર્ઘટના થતા થતા ટળી.. ભારતીય નૌકાદળના એક મિગ-29 ફાઇટર એરક્રાફ્ટનું ટેકઓફ થવાના સમય પહેલા જ ટેક્સીવે પર ટાયર ફાટી ગયું હતું. જો કે રાહતની વાત એ છે કે ટાયર ફાટ્યા બાદ પણ કોઈ મોટી દુર્ઘટના થઈ નથી કે કોઈને ઈજા થઈ નથી.
રન વે બંધ કરાયો
આ ઘટના વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે વિમાન ટેક-ઓફ માટે રનવે તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક તેનું ટાયર ફાટ્યું. ટાયર ફાટતાં પ્લેન ટેક્સીવે પર ફસાઈ ગયું હતું. ટેક્સી વે પર પ્લેન ફસાઈ જવાને કારણે એરપોર્ટ રનવે પર પ્લેનની અવરજવર સાંજે 4 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી હતી. રનવે બંધ થવાને કારણે પેસેન્જર ફ્લાઈટ સેવાઓને પણ અસર થઈ છે.
નિર્ધારિત ફ્લાઇટ પહેલા ટાયર ફાટ્યું
નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન રૂટિન ફ્લાઈટ કરતા પહેલા ટેક્સીવે પર હતું ત્યારે તેનું ટાયર ફાટ્યું હતું. ફાયર બ્રિગેડ અને અન્ય સેવાઓના કર્મચારીઓને તાત્કાલિક ત્યાં મોકલવામાં આવ્યા હતા.
ડાબોલિમ એરપોર્ટ નેવલ બેઝનો એક ભાગ
મહત્વનું છે કે દક્ષિણ ગોવા જિલ્લામાં સ્થિત ડાબોલિમ એરપોર્ટ નૌકાદળ INS હંસનો એક ભાગ છે. આ સુવિધાનો ઉપયોગ નૌકાદળના વિમાન દ્વારા દિવસના ચોક્કસ સમયે કરવામાં આવે છે. અકસ્માત બાદ એરપોર્ટ પર થોડો સમય અફડાતફડી મચી ગઈ હતી. ઘણા પેસેન્જર પ્લેનને મોડેથી ટેકઓફ કરવાની ફરજ પડી હતી.
ફ્લાઇટ ડાયવર્ટ કરવી પડી
ડાબોલિમ એરપોર્ટના ડાયરેક્ટર એસવીટી ધનંજયે જણાવ્યું કે, ઘટનાના પરિણામે એરપોર્ટનો રનવે સાંજે 4 વાગ્યા સુધી કામગીરી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 10 ફ્લાઈટની સેવા પ્રભાવિત થઈ હતી. કેટલીક ફ્લાઈટોને મોપાના મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી


