- અમદાવાદમાં ધોળાદિવસે લૂંટફાટ
- બાઈકસવારોએ બિલ્ડરના માણસને બનાવ્યો ટાર્ગેટ
- 50 લાખની લૂંટની ઘટનાથી હડકંપ
અમદાવાદ શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરમાં બિલ્ડરના માણસ પાસેથી બાઈકસવારોએ 50 લાખ રૂપિયા આંચકીને ફરાર થઈ ગયા હતા. આમ ફરીથી લૂંટનો બનાવ બન્યો છે.
હાલ અમદાવાદ શહેર જાણે આપરાધિક ઘટનાઓનું હોટસ્પોટ બની ગયું હોય તેમ ક્રાઇમની ઘટનાઓમાં દિન-પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ચોરી, લૂંટ, મારામારી, હત્યાની ઘટનાઓ વધુને વધુ સામે આવી રહી છે. ત્યાંજ અમદાવાદમાં ફરી એકવાર લૂંટ થવાની ઘટના બનવા પામી છે. વસ્ત્રાપુરની સારથી હોટલ પાસે રૂપિયા 50 લાખની લૂંટ થયાની ઘટના સામે આવી છે.
આ બનાવની જાણકારી પ્રમાણે એક આંગડિયા પેઢીમાંથી માણસ બિલ્ડરના રૂપિયા લઈને નીકળ્યો હતો. જો કે આ પૈસા બિલ્ડર પાસે પહોંચી શક્યા નહોતા. બહાર નીકળતાની સાથે જ બિલ્ડરના વ્યક્તિ પાસેથી પૈસા આંચકી લૂંટી લેવાયા હતા. મહત્વનું છે કે રામ મોહન આંગડિયા પેઢીમાંથી રૂપિયા 50 લાખ લઈને નીકળ્યા બાદ વસ્ત્રાપુરની સારથી હોટલ પાસે લૂંટની ઘટના ઘટી હતી. જેમાં અજાણ્યા બાઈકસવારો બિલ્ડરના માણસ પાસેથી પૈસા આંચકીને ફરાર થઈ ગયા હતા.
અમદાવાદમાં આવી ઘટનાઓ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી રહી છે. વસ્ત્રાપુરમાં ધોળાદિવસે લૂંટની ઘટનાથી પોલીસની કામગીરી પર પણ પ્રશ્નો ઉભા થયા છે. ગુનેગારોમાં હવે પોલીસનો ડર નથી રહ્યો તે આ ઘટના પરથી પુરવાર થાય છે. આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને નીકળનારાઓને લૂંટનારા હોય કે ચેઈન સ્નેચિંગના આરોપીઓ હોય બાઈકસવારો હવે લૂંટ કરી પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે. ત્યારે આ સમયની માગ છે કે પોલીસ આવા તત્વોને નિયંત્રિત કરે.