- વાવાઝોડું, વરસાદ સહિત અનેક તકલીફો સહન કરનાર ખેડૂતોને નવી આફત
- નીલગાયના કારણે માર્ગ અકસ્માતનું પ્રમાણ વધ્યું
- ફેન્સિગ કે તારની વાડ માટે સહાયની ખેડૂતોની માંગ
બોરસદ તાલુકાના મહીકાંઠા વિસ્તારમાં આવેલા 15 કરતાં વધુ ગામોમા હાલ પાક ભેલાણ થતાં નીલગાયનો ત્રાસ વધી ગયો છે. દિવસ રાત ખેતરોમાં વારંવાર ઘુસી જતાં નીલગાયના ટોળા ઉભો પાક ચરી જાય છે અને ભેલાણ કરી જતાં હોવાથી નુકશાની વેઠી રહેલ ખેડૂતો પાસે લાચાર બન્યા છે. બોરસદ તાલુકાના આવેલા રાસ, કંકાપુરા, દહેવાણ, કઠાણા, બદલપુર, કાંધરોટી, દિવેલ, અમિયાદ સૈજપુર સહિત આસપાસના વિવિધ ગામોમાં નીલગાયે ખેડૂતોના ઉંઘ હરામ કરી દીધી છે. નિલગાયના ટોળેટોળાં ખેતરોમાં ઘુસી આવી મહામુલા ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચાડી રહ્યાં છે.તેમજ નીલગાયના શિકાર કે મારવા પર પ્રતિબંધ હોવાથી ખેડૂતો કાયદાના ડર થી કશું કરી શકતાં નથી જેથી પાક ભેલાણનુ મોટું નુકશાન લાચાર બની નજર સામે જ ઉભો પાક બરબાદ થતો જોવો પડે તેવી સ્થિતિ ખેડૂતોની છે. બોરસદ તાલુકાના મહીકાંઠાના ગામોમાં નિલગાયથી ખેડૂતો ઉપરાંત વાહન ચાલકો પણ ખૂબ જ પરેશાન છે. દિવસ રાત ગમે ત્યારે અચાનક જ રસ્તા પર ધસી આવતી નિલગાયના કારણે માર્ગ અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. તેમાંય એકલ દોકલ વાહન ચાલક જીવ પણ ગુમાવે છે.
તાલુકાના 30 ગામોના સરપંચોએ લેખિતમાં રજૂઆતો કરી
અંગે રાસ ગામના સરપંચનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બોરસદ તાલુકાના 30 ગામના સરપંચો એ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રી રજુઆત કરી હતી પરંતુ ખેડૂતોની વાત કોઈ સાંભળવા તૈયાર નથી તેથી રાસ ગામની 1 હજાર વીઘામાં ખેડૂતો પાક કર્યો નથી.
ખેડૂતો શું કહે છે?
આ અંગે બોરસદ તાલુકાના ખેડુત અગ્રણી જણાવ્યું છે કે, નીલગાય દ્વારા થતા પાક ભેલાણ ને કારણે ખેડૂતોને રાત દિવસ ફ્રજિયાત પોતાના ખેતરમાં હાજર રહેવું પડી રહ્યું છે. નિલગાયના મોટા ટોળા ગમે ત્યારે ખેતરોમાં ધસી આવતા રાતના ઉજાગરા પણ વેઠવા પડી રહ્યા છે. ખેડૂતો દ્વારા અનેકવિધ પ્રયાસો છતાં પણ નીલગાયના પાક ભેલાણનો વિકટ પ્રશ્ન હલ થતો નથી.


