- ગ્રામજનો દ્વારા ચોટીલા મામલતદારને લેખિતમાં જાણ કરાઈ
- ST બસ, પાકા રોડ સહિતના પ્રશ્નો યથાવત્ રહેતા ગ્રામજનોમાં રોષ
- મતદાનનો બહીષ્કાર કરતા દોડધામ મચી ગઇ
ચોટીલા તાલુકાના ભોજપરા ગામના લોકોએ ગામની એસ.ટી.બસ,રોડ સહિતની પડતર સમસ્યા નહી ઉકેલાતા લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહીષ્કાર કરતા દોડધામ મચી ગઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નેતાઓ ચૂંટણી સમયે વિસ્તારમાં અનેક કામો કરવાના વાયદાઓ કરતા હોય છે પરંતુ ચૂંટાયા બાદ અનેક વિસ્તારો વિકાસના કામથી વંચીત રહી જતા હોય છે.ત્યારે ચોટીલા તાલુકાના ભોજપરા ગામના લોકોએ વારંવાર સાસંદને ગામની સ્કૂલના ગ્રાઉન્ડની ગ્રાન્ટ બાબતે,રાજકોટને જોડતી એસ.ટી.બસની સુવિધા માટે અને ગુંદાથી ભોજપરા ગામના રોડની વર્ષો જુની સમસ્યા ઉકેલવા માટે વારંવાર રજૂઆત કરી હતી.પરંતુ હજી સુધી આ ત્રણેય સમસ્યાઓમાંથી એક પણ સમસ્યા ઉકેલાઇ નથી.ત્યારે હાલ લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભોજપરા ગામના સરપંચ દ્વારા ચોટીલા મામલતદારને લેખીત જાણ કરી સામુહીક ગ્રામજનોએ ચૂંટણીમાં મતદાનનો બહીષ્કાર કર્યો છે.આમ વર્ષો જુની સમસ્યા નહી ઉકેલાતા ગ્રામજનોએ ચૂંટણીમાં મતદાનનો બહીષ્કાર કરાતા રાજકીય પક્ષના નેતાઓ અને તંત્રમાં દોડધામ મચી ગઇ છે.


