- નગરપાલિકામાં વારંવાર રજૂઆત છતાંય રહીશોની સમસ્યા ઠેરને ઠેરથી રોષ
- શહેરના વોર્ડ નં. 12ના રહીશોને પાલિકા તંત્રના વાંકે પાણીના મોંઘાદાટ ટેન્કર મંગાવવા પડે છે
- ચોમાસામાં ગંદા પાણી ઉભરાઇ લોકોના ઘરમાં પણ ઘુસી જતા હતા
સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાટસર વિસ્તારના રહીશોને પુરતુ અને ચોખ્ખુ પાણી નહી મળતુ હોવાથી પડતી હાલાકીથી ત્રસ્ત થઇ મહિલાઓએ આખરે હલ્લાબોલ કરીને પાલિકા ઉપર રોષ વ્યકત કર્યો હતો. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરમાં પાણી, ગટર અને ગંદકીની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે વોર્ડ નંબર 11ના ગણપતિ ફાટસર વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસોથી સ્થાનિકોને સમયસર અને પુરતી પાણી નહીં મળતુ હોવાથી મોંઘાદાટ પાણીના ટેન્કરો મંગાવવા પડે છે. સાથે પાણી દુંર્ગધ વાળુ આવે છે ચોખ્ખુ પાણી મળતુ નથી. આ બાબત રહીશોએ સંયુકત પાલિકાના ચીફ ઓફીસર બારોટ સહિતના સતાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાય સમસ્યાનો કોઇ નિકાલ આવ્યો નથી. બીજી તરફ ચોમાસામાં ગંદા પાણી ઉભરાઇ લોકોના ઘરમાં પણ ઘુસી જતા હતા. એમ છતાંય કાર્યવાહી કરાઇ નથી. આમ વિસ્તારની મહિલાઓએ પાલિકાના સતાધીશોથી ત્રસ્ત થઇ બાળકો અને યુવાનો સહિત રસ્તા ઉપર ઉતરી જઇ હોબાળો મચાવ્યો હતો. છેવટે આગેવાનોની સમજાવાટ બાદ પાલીકાના વાંકે વાહનચાલકોને હાલાકી ના પડે એ માટે રસ્તો ખુલ્લો કરી દેવાયો હતો. આ ગંભીર બાબતે તંત્ર દ્વારા કયારે સમસ્યા ઉકેલાય છે? એની સામે સૌની નજર મંડાયેલી છે. આ ઉપરાંત શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ તુટી જવા, પાણીની પાઇપ લાઇન લીકેજ, ગંદકી અને અનેક જગ્યાએ પુરતુ પાણી નહીં મળતું હોવાની સમસ્યાથી રહીશો ભારે હાલાકી ભોગવી રહયા છે.