- સંગીતના સથવારે ઝૂમ્યા ખેલૈયા
- ગુજરાતમાં ઠેર ઠેર જામ્યો રંગતનો માહોલ
- સનેડો અને ડાકલાની રમઝટથી ઝૂમ્યા ખેલૈયાઓ
નવરાત્રીના 5મા દિવસે ગુજરાતમાં રાસની રમઝટ પૂરબહારમાં ખીલી ઉઠી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા વિવિધ શહેરોમાં ખેલૈયાઓએ મન મૂકીને સંગીતના સથવારે પગને તાલ આપ્યો હતો અને ગરબા રમતા રમતા માતાજીની આરાધનામાં ડૂબી ગયા હતા.
આજે નવરાત્રીનું પાંચમું નોરતું છે. ગુજરાતના ખૂણે ખૂણે હવે નોરતાનો માહોલ બરાબરનો જામ્યો છે. પાર્ટી પ્લોટ હોય કે શેરી ગરબા, સોસાયટી હોય કે સમાજની વાડીઓ, આજે તમામ જગ્યાઓ હાઉસફુલ છે. પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી. જેવો આ તહેવાર છે એવી જ એની ધૂમ પણ મચી છે. મોટા મોટા કલાકારોએ જ્યાં સ્ટેજ પરથી તેમના સુરીલા અવાજમાં ગરબાના ગીતો લલકાર્યા હતા તો સામે એટલી જ સિફતાઈ અને સ્ફૂર્તિ તેમજ ચપળતાથી જાણે કે ખેલૈયાઓએ તેમનો પડ્યો બોલ ઝીલતા હોય તેમ સંગીતના સથવારે પગ થિરકાવી રાસની રમઝટ બોલાવી હતી. આ સમયે જાણે કે એવું લાગે કે સમય પણ થંભી ગયો હતો.
જેટલી મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવ્યા છે એથી પણ વિશેષ સંખ્યામાં ગરબા જોવા વાળા આવ્યા છે. ક્યાંક પાર્ટી પ્લોટ્સમાં મોંઘા ભાવની ટિકિટો ખરીદીને તો ક્યાંકથી કોઈક રીતે પાસનો જુગાડ કરીને પણ લોકોએ ગરબાની રંગતને માણી હતી. નવરાત્રીના ફૂલઉજાણીના માહોલમાં લોકોએ ઘરે રહેવા કરતા ગરબાના મેદાનમાં રહેવું વધુ મુનાસિબ માન્યું હતું. ઘણી ગરબા ઈવેન્ટ્સમાં મેદાનની સાથે જ મોડા સમય સુધી હવે અનેક નાના લારી પાન ગલ્લા વાળા અને ખાણીપીણીના સામાન વાળા પણ ઉભા રહી ગયા છે. ખેલૈયાઓ પહેલા મન ભરીને નાચે છે પછી થાકીને લોથ થાય તો અવનવી વાનગીઓનો ટેસ્ટ લેવાનું પણ ચૂકતા નથી.
ગુજરાતમાં ખાસ કરીને સરકારે જે રીતે અમુક નિયમોને આધીન રાતના મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી છે તેનો ખેલૈયાઓ પૂરી રીતે લાભ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. આ માહોલ હજુ પણ આગળ ચાલુ રહેવાનો છે. હજુ નવરાત્રી પર્વના 4 દિવસ બાકી છે. હજુ આગળ આ માહોલ વધુને વધુ જામશે અને વાતાવરણમાં હજુ પણ આ માહોલની રંગત જામશે તેવી પૂરી શક્યતા છે.