- 5 વર્ષમાં રસ્તાની જાળવણી-વિકાસ પાછળ 3,443 કરોડ વપરાયા
- કોન્ટ્રાક્ટરોના કામની ગુણવત્તા સામે ઊઠતાં સવાલ
- વર્ષ 2018-19માં 208 કિલો મીટર લંબાઈના રસ્તાને નુકસાન થયું હતું
ગુજરાતમાં વરસાદ સહિત વિવિધ કારણસર નેશનલ હાઈવે બિસ્માર બની રહ્યા છે, કોન્ટ્રાક્ટરોના કામની ગુણવત્તા સામે પણ સવાલો ઊઠી રહ્યા છે, કારણ કે ખરાબ રસ્તાની લંબાઈમાં સતત વધારો થયો છે, ગુજરાતમાં વર્ષ 2022-23ના અરસામાં 304 કિલો મીટર લંબાઈના રસ્તા બિસ્માર બન્યા છે, જે અગાઉના વર્ષોમાં 200 કિ.મી. આસપાસ રહેતા હતા. છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ હાઈવેની જાળવણી અને વિકાસ પાછળ રૂ. 3,443 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે આ બાબતની કબૂલાત કરી છે.
ગુજરાતમાં નેશનલ હાઈવેના ખખડધજ રસ્તાઓના કારણે વાહન ચાલકોને નાહકની પરેશાની વેઠવી પડે છે, વર્ષ 2018-19માં 208 કિલો મીટર લંબાઈના રસ્તાને નુકસાન થયું હતું, એ જ રીતે વર્ષ 2019-20માં 190 કિ.મી, 2020-21માં 195 કિ.મી., 2021-22માં 222 અને 2022-23માં 304 કિ.મી. લંબાઈના રસ્તાને નુકસાન થયું હતું. એકંદરે ખખડધજ થઈ રહેલા રસ્તાઓનો વિસ્તાર વધ્યો છે. આ રસ્તાઓની જાળવણી માટે તાડબતોબ કામ કરવામાં આવતું હોવાનો તંત્રનો દાવો છે. છેલ્લે વર્ષ 2022-23માં ગુજરાતને રસ્તાઓની જાળવણી અને વિકાસ માટે 900 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જે પૈકી 696 કરોડનો ખર્ચ થયો હતો. આ અગાઉ વર્ષ 2021-22માં 800 કરોડની ફાળવણી થઈ હતી જ્યારે 810 કરોડ વપરાયા હતા. તંત્રના દાવા પ્રમાણે રસ્તાઓની જાળવણી માટે સમયાંતરે સ્થિતિની સમીક્ષા કરાય છે, નેશનલ હાઈવે પર ટ્રાફિક નિયમન જળવાય તે માટે કામગીરી કરાતી હોય છે, જુદા જુદા કારણસર જે ખામીઓ હોય તેમાં સુધારો કરી, પાણીના નિકાલની સિસ્ટમ વગેરે જેવા કામ થઈ રહ્યા છે, રોડની ડિઝાઈન વખતે આ બાબતોનું ધ્યાન રખાઈ રહ્યું છે. માર્ગોની જાળવણી હવેથી જે તે એન્જસીને સુપરત કરાઈ રહી છે.


