- રૂ.1527 કરોડની આવક સામે રૂ.1,299 કરોડનો ખર્ચ કરવામાં આવશે
- જિ. પં.નું 228 કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર
- સોલર સિસ્ટમ માટે સોપ્રથમવાર 10 લાખની જોગવાઈ
પાટણ જિલ્લા પંચાયત ખાતે બુધવારના રોજ મળેલી સામાન્ય સભાની બેઠકમાં જિલ્લા પંચાયતનું વર્ષ 2024-૨૫નું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેને સામાન્ય સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત દ્વારા આ વર્ષે રજૂ થયેલ બજેટમાં રૂ.1527 કરોડની આવક અને તેની સામે રૂ.1299 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. આમ રૂ.૨૨8 કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભાની બેઠકમાં જિલ્લા પંચાયતનું વર્ષ 2024-૨૫નું અંદાજનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્વભંડોળ, સરકારી પ્રવૃત્તિઓ અને દેવા વિભાગની મળી ચાલુ વર્ષે કુલ રૂ.1527 કરોડની આવક અંદાજવામાં આવી છે. તો તેની સામે રૂ.1299 કરોડ જેટલો ખર્ચ વિવિધ ક્ષેત્રે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આવક અને ખર્ચને બાદ કરતા જિલ્લા પંચાયતને ચાલુ વર્ષે રૂ.228 કરોડની પુરાંત રહેવાની શક્યતાછે. બજેટમાં સ્વભંડોળમાંથી થનાર ખર્ચમાં આ વર્ષે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે પ્રેરણા પ્રવાસ માટે રૂ.૫ લાખ, જિલ્લામાં આવેલા પશુપાલકોના ગાય, ભેંસ માટે સેકસડમ સિમેન ડોઝનથી વિનામૂલ્યે કૃત્રિમ બીજ દાન માટે રૂ.3 લાખ, જિલ્લા પંચાયત કવાટર્સમાં અને જિલ્લા પંચાયત ભવનમાં સોલર સિસ્ટમ માટે રૂ.10 લાખની જોગવાઈ આ વખતે પ્રથમવાર બજેટમાં કરવામાં આવી છે.
તો બજેટ ઉપરાંત જિલ્લા પંચાયતના વિવિધ વિકાસ કામો માટે રજૂ કરાયેલા એજન્ડાના કામોને સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા. સામાનય સભાની બેઠકમાં નાયબ ડીડીઓ આર.કે.મકવાણા, હિસાબી અધિકારી આર.ડી.પટેલ સહિત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બજેટ આભાસી નહીં પરંતુ વાસ્તવિક હોવું જોઈએ : અશ્વિન પટેલ
જિલ્લા પં.ના પૂર્વ વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે રજૂ થયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બજેટમાં માત્ર આંકડાની માયાજાળ ન હોવી જોઈએ. બજેટ એ જિલ્લાના તમામ વર્ગના વ્યક્તિનો વિકાસ થાય તે પ્રમાણેનું હોવું જોઈએ. બજેટ વાસ્તવિક હોવું જોઈએ. જિલ્લા પંચાયતમાં સ્વભંડોળની આવકમાં ઘટાડો ન થાય અને વધારો થાય તે માટેના પ્રયત્નો અને વિચાર વિમર્શ કરવો જોઈએ. જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાને રેતી કંકરની આવકનો લાભ મળી રહ્યો છે. તે જ રીતે પાટણ જિલ્લાને પણ લાભ મળતો થાય તે અંગે ઠરાવ કરવો જોઈએ. ચાણસ્મામાં ર્ંગ્દય્ઝ્રની રોયલ્ટી. હાલમાં જે પાતાળકૂવા બંધ છે તેની ડિપોઝીટ જીઈબી પાસે જમા પડી છે તે પરત લઈ લેવી જોઈએ આમ બજેટમાં સ્વભંડોળની અવાક મજબૂત બને તે માટે મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા.
પાટણને અગ્રેસર કરવા માટેનું બજેટ : હેતલ ઠાકોર
બુધવારે રજૂ થયેલા બજેટ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું કે, વર્ષ 2024-૨૫ના વર્ષમાં પાટણ જિલ્લાને રાજ્યકક્ષાએ અને વિવિધ ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટેના વિકાસ કામો અને વિવિધ પ્રવૃત્તિઓ કરવા બાંધકામ, સિંચાઈ, આરોગ્ય, પશુપાલન, સમાજ કલ્યાણ, પ્રાથમિક શિક્ષણ, પોષણ અને સ્વચ્છતા જેવી તમામ આવશ્યક બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેથી જિલ્લાના છેવાડાના માનવી સહિત તમામ વર્ગના લોકોનો વિકાસ થશે.


