તાલાલામાં ફરી એક દિવસમાં ત્રણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા
૧.૫, ૧.૪ તિવ્રતા નોંધાયા : મધરાત્રે લોકોએ ઘરબહાર દોટ મૂકી
અગ્ર ગુજરાત,
ગીરસોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ફરી એકવાર ધરતી ધ્રૂજતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોડી રાતથી લઈને વહેલી સવાર સુધીમાં તાલાલા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના કુલ ત્રણ આંચકા અનુભવાયા હતા. પ્રથમ આંચકો રાત્રે 11:43 કલાકે અનુભવાયો હતો, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 1.5 નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 23 કિમી દૂર હતું.
ત્યારબાદ મધરાતે 2:41 કલાકે ફરી ધરતી ધ્રૂજી હતી, જેમાં 1.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ બીજા આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી માત્ર 14 કિલોમીટર દૂર નોંધાયું હતું.
સતત ધ્રૂજતી ધરાને કારણે લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. કુદરતી આંચકાઓનો આ સિલસિલો સવાર સુધી ચાલુ રહ્યો હતો, જેમાં ત્રીજો આંચકો સવારે 7:43 કલાકે અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા 1.5ની હતી અને તેનું કેન્દ્રબિંદુ શહેરથી માત્ર 11 કિમી દૂર નોંધાયું હતું. જોકે, રાહતની વાત એ છે કે આ ત્રણેય આંચકા ઓછી તીવ્રતાના હોવાથી હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મિલકતને નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વારંવાર આવતા આંચકાઓને લીધે પંથકમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે.


