સોમનાથ દાદાના સાનિધ્યમાં સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ
આજથી ૭ર કલાકનો અખંડ ઓમકાન નાદ ગુંજશે: PMની હાજરીમાં 3 હજાર ડ્રોન સોમનાથની યશોગાથા રજુ કરશે: ૧૦૮ અશ્વોની શૌર્ય યાત્રા નિકળશે: ૧૦મીએ વડાપ્રધાનનું રાત્રી રોકાણ અને ૧૧મીએ દાદાને શિશ નમાવી કરશે પૂજન-અર્ચન
અગ્ર ગુજરાત, વેરાવળ
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર પર ગઝનવીના આક્રમણના વર્ષ નિમિત્તે ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ સમા “સોમનાથ સ્વાભિમાન પર્વ” ની ઉજવણી થનાર છે. ત્યારે ચાલી રહેલ તડામાર તૈયારીઓ અને આયોજન અંગે માહિતી આપવા રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી મોદીની પ્રેરણાથી પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી તા.8 થી 11 જાન્યુઆરી દરમ્યાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરાશે. આ પર્વ એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે. ઈ.સ.1026 માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને આજે 1 હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ‘બેવડા સંયોગ’ના અવસરે સમગ્ર દેશ સોમનાથ મંદિરના શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આયોજન કર્યુ છે.
વધુમાં મંત્રી વાઘાણીએ જણાવેલ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.10 જાન્યુ. ના સાંજે 5:30 કલાકે સોમનાથ પધારી રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે તા.11 ના સવારે વડાપ્રધાન સોમનાથ મહાદેવના દર્શન-અર્ચન કરશે. બાદમાં વડાપ્રધાન પરિસરમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. બાદમાં પીએમ બી કીમીના ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે. જે સભા સ્થળ સદભાવના ગ્રાઉન્ડ ખાતે પુર્ણ થશે. જ્યાં પીએમ વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે.
આ ઉજવણીમાં ખાસ આકર્ષણ અંગે મંત્રીએ જણાવ્યા મુજબ સોમનાથ સ્વાભિમાન પર્વ દરમ્યાન આકાશમાં 3 હજાર ડ્રોન દ્વારા સોમનાથ મંદિરના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. ઉપરાંત સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમ્યાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા શુરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ’થી શરૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી નીકળશે. સોમનાથ મંદિરના પ્રાંગણમાં 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. આ સાથે 1 હજાર કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે.
વધુમાં આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવ ભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં 20 જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તા. 8, 9 અને 10 જાન્યુઆરી દરમ્યાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.
વડાપ્રધાનના માર્ગદર્શનમાં હવે ‘સોમનાથ કોરિડોર’ને પણ સ્વીકૃતિ મળી છે. જેના કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળશે. અયોધ્યા, કાશી અને દ્વારકાની જેમ સોમનાથ પણ આજે વિશ્વકક્ષાએ ભારતની આધ્યાત્મિક ઓળખ બની રહ્યું છે. આ પર્વમાં દેશભરના હજારો સાધુ-સંતો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે તેવું મંત્રી જીતુ વાઘાણીએ અંતમાં જણાવ્યું હતુ.


