ઉપલેટા તાલુકામાં આ વર્ષે અતિભારે વરસાદના કારણે ખેતરોમાં આડેધડ પાણી ભરેલા રહેતા ખેડૂતોએ વાવેલ પાક ત્યાર થાય એ પહેલા જ બળી જવાની ભીતિ સર્જાઇ છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. જેના કારણે હાલ લીલા દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહી છે જેને લઈને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ઉપલેટા તાલુકાના મોટી પાનેલીના સહકારી મંડળીના પ્રમુખ વિરેન ફળદુ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઉપલેટા તાલુકાની પાનેલી મોટી જુથ વિવિધ સહકારી મંડળીની ચુંટણીમાં ત્રિ-પાખિયા જંગમાં બિન રાજકીય પેનલનો વિજય થયો હતો. બિન રાજકીય પેનલના સભ્યો દ્વારા પ્રમુખ પદે વિરેન જેન્તીભાઇ ફળદુ તેમજ ઉપ પ્રમુખ પદે મેહુલ ચંદુભાઈ વરસાણીની વરણી કરતાં તેઓએ ચાર્જ સાંભળ્યો હતો. ઉપલેટા તાલુકાના પાનેલી મોટી, હરીયાસણ, સાતવડી, ખારચીયા, જાર વિસ્તારમાં અવિરત વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલ મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, એરંડા જેવા ઊભા પાક બળી જવાની ભીતિ સર્જાઇ છે. પાનેલી મોટી, હરીયાસણ, સાતવડી, ખારચીયા અને જારમાં થોડા દિવસો પહેલા અવિરત વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોને અવિરત વરસાદના કારણે ખેડૂતોના પાક તથા ખેતરના સેઢાપાળાઓમાં થયેલ નુકશાની તેમજ ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિને લઈ તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તેવી મોટી પાનેલીના સહકારી મંડળીના પ્રમુખ વિરેન ફળદુ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે