- SP અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા : મકાન જર્જરિત થતા કાયાપલટ કરાઈ હતી
- મહંત લલિતકિશોરશરણજીએ રીબીન કાપી ગ્રીનચોક પોલીસ ચોકી ખુલી મુકી
- પોલીસ ચોકી 24×7 ચાલુ રાખવા તથા ઇમરજન્સી પીસીઆર વાન કાર્યરત રાખવા સુચના
લીંબડી શહેરમાં ગ્રીન ચોક વિસ્તારમાં પોલીસ ચોકીનું મકાન છેલ્લાં ઘણાં સમયથી જર્જરીત થઈ ગયું હોય પોલીસ કર્મચારીઓને માથે જોખમી સ્થિતિમાં ફરજ બજાવવાં બેસવુ પડતું હતું. લીંબડી પીએસઆઇ બી. કે. મરૂડા તથા સીપીઆઈ પુવાર તથા સ્ટાફે જહેમત ઉઠાવી આ જર્જરિત હાલતમાં ઉભેલી પોલીસ ચોકીનુ રિનોવેશનનું કામ કરાવતાં ધારાસભ્ય કિરિટસિંહ રાણા તથા જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી સી.પી. મુંધવાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના મહંત લલિતકિશોરશરણજીએ રીબીન કાપી ગ્રીનચોક પોલીસ ચોકી ખુલી મુકી હતી. આ પ્રસંગે સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડ, લીંબડી તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગ્રીન ચોક પોલીસ ચોકી ખુલ્લી મુકાતા હવે ગ્રીન ચોક વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિ કરતા લુખ્ખા તત્વોનો ત્રાસ ઘટશે. સુરક્ષા સઘન બનતા લોકોને રાહત મળી છે.
ગ્રીન ચોક પોલીસ ચોકી લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડયાએ સ્થાનિક પોલીસ અધિકારીને આ પોલીસ ચોકી બંધ ન થવી જોઈએ અને 24×7 ચાલુ રાખવા તથા શહેર માટે ઇમરજન્સી પીસીઆર વાન હવેથી ગ્રીનચોક ખાતે જ કાર્યરત રાખવા સુચના આપી હતી.