- કુલ 4 કરોડ 20 લાખનો મુદ્દામાલ પરત કર્યો
- છેલ્લા આઠ મહિનામાં 200 ટકા ગુનાઓ નોંધાયા
- 2 લાખ જેટલા મુસાફરો અમદાવાદ સ્ટેશન પર આવે છે
જો તમે રેલવેમાં મુસાફરી કરો છો તો સચેત રહેવાની જરૂર છે. કારણ કે રેલવે પોલીસ પાસે પૂરતો સ્ટાફ હોવા છતાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે… સાથે જ અમદાવાદના રેલ્વે સ્ટેશન પર બે લાખ મુસાફરોની વચ્ચે માત્ર 200 પોલીસ કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે.. ત્યારે ગુનાખોરી કેવી રીતે અટકશે. તે જોવુ જરુરી છે.
હાલમાં રેલવેમાં સતત ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રાજ્યના સૌથી મોટા જંક્શન એવા અમદાવાદ રેલવે સ્ટેશન પર ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા બે વર્ષમાં અમદાવાદ રેલવે પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં ચોરી થયેલો કુલ 4 કરોડ 20 લાખનો મુદ્દામાલ મૂળ માલિકો એટલે કે ફરિયાદીઓને પરત કર્યો છે. આ ઉપરાંત એક તરફ લાખોની સંખ્યામાં મુસાફરો અને સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન હોવા છતાં અપૂરતી સુરક્ષાના કારણે ગુનેગારો ગુનાને અંજામ આપી ફરાર થઈ જાય છે.
જોકે રેલવે પોલીસ મથકમાં ગુનાઓનું પ્રમાણ પણ તેટલું જ વધ્યું છે. માત્ર છેલ્લા આઠ મહિનાની વાત કરીએ તો 200 ટકા ગુનાઓ રેલવે પોલીસના ચોપડે નોંધાયા છે. જે ઘણા ચિંતાજનક સ્તર પર પહોચી ગયો છે. રેલવે પોલીસના અધિકારીઓનું કહેવું માનીએ તો 70 થી 80% ગુનાઓ માત્ર રાતના 12:00 વાગ્યાથી સવારના 6:00 વાગ્યાના સમયમાં એટલે કે મુસાફરોના આરામના સમયમાં બની રહ્યા છે.
નોંધનીય છેકે, અમદાવાદમાં રોજના 2 લાખ જેટલા મુસાફરો 24 કલાકમાં રેલવે સ્ટેશન પર આવે છે. તેની સામે અમદાવાદ રેલવે પોલીસ પાસે માત્ર 200 પોલીસ કર્મચારી અધિકારી નો સ્ટાફ છે એટલે કે 2 હજાર મુસાફરો વચ્ચે એક પોલીસ અધિકારી – કર્મચારીની હાજરી છે. જોકે સૌથી વધુ મોબાઈલ ચોરીનું પ્રમાણ હોવાથી પાંચ પોલીસ કર્મચારીઓની એક ટીમ માત્ર મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે કામગીરી કરી રહી છે.


