ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ કોલકાતામાં રમાઈ હતી. જે ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીતી હતી. જોકે, આ મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનને જોઈને ફેન્સને થોડું આશ્ચર્ય થયું હતું, કારણ કે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. હવે બીજી T20 મેચ ચેન્નાઈમાં રમાશે, હવે મોહમ્મદ શમી માટે આ મેચમાં પણ રમવું મુશ્કેલ માનવામાં આવે છે. જેનું મુખ્ય કારણ પણ સામે આવી રહ્યું છે.
શમી માટે ચેન્નાઈમાં રમવું મુશ્કેલ!
મોહમ્મદ શમી લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે, પરંતુ આ બોલર પહેલી મેચ રમી શક્યો નહોતો. જે બાદ ચાહકોને આશા છે કે શમી બીજી T20 મેચ રમતા જોવા મળી શકે છે, પરંતુ હજુ સુધી તેનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં શમીની વાપસીની રાહ વધુ વધી શકે છે કારણ કે તેને ચેન્નાઈમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે છે. ફાસ્ટ બોલરને પ્રથમ ટી20 મેચમાં ટીમની બહાર રાખવામાં આવ્યો હતો, જેના કારણે તેની ફિટનેસને લઈને અટકળો થઈ રહી હતી.
ચેપોકમાં ઝડપી બોલરોને વધુ મદદ મળતી નથી
જો કે, કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે તે ટીમ કોમ્બિનેશનના કારણે બહાર રહ્યો છે. આમ છતાં શમીને ચેન્નાઈમાં બહાર રહેવું પડી શકે છે, કારણ કે ચેપોકમાં ઝડપી બોલરોને વધુ મદદ મળતી નથી. ફરી એકવાર અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યા કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે મુખ્ય ઝડપી બોલર બની શકે છે.
વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે
બીજી T20 મેચ 25 જાન્યુઆરીએ રમાશે. આ મેચમાં સ્પિન બોલર વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. ચેપોક પિચ સ્પિન ફ્રેન્ડલી હોવાથી આ નિર્ણય લઈ શકાય છે. જો સુંદરને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે, તો એ જોવાનું રસપ્રદ રહેશે કે કયા ખેલાડીને પડતો મૂકવામાં આવે છે?


