- વીજ માગનો 10 ટકા હિસ્સો સ્પેસ કુલીંગની જરૂરિયાતમાંથી આવે
- ભારતની વાત કરીએ તો 25 ડિગ્રી સેલ્સિયસની ઉપર વીજ માગમાં તીવ્ર વૃદ્ધિ
- IEAના મતે પાછલા પાંચ દાયકાઓમાં ભારતે 700થી વધુ હીટવેવ્સ જોયાં
ભારતની ઘરગથ્થુ એર કંડિશનર્સ માટેની વીજ માગ 2050 સુધીમાં નવગણી વધે તેવો અંદાજ છે અને તે સમગ્ર આફ્રિકાની આજની કુલ માગને પાર કરી જશે એમ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી(IEA)એ જણાવ્યું છે. તેના તાજેતરના વર્લ્ડ એનર્જી આઉટલૂક રિપોર્ટમાં IEAએ નોંધ્યું છે કે ભારત આગામી ત્રણ દાયકાઓ સુધી કોઈ પણ દેશ કે પ્રદેશમાં સૌથી ઊંચી એનર્જી માગ દર્શાવશે. તેના અંદાજ મુજબ 2022માં ભારતની એનર્જી માગ જાહેર પોલિસીના ચિત્રને ધ્યાનમાં લેતાં 42 એક્સાજૂલ (EJ – ઉર્જા માપવાનું મોટું એકમ) પરથી વધુ 2030 સુધીમાં 53.7 EJ અને 2050માં 73 EJ પર જવા મળશે. જ્યારે જાહેર કરવામાં આવેલા અંદાજ મુજબ તે 2030 સુધીમાં 47.6 EJ પર જ્યારે 2050 સુધીમાં 60.3 EJ પર જોવા મળશે. દેશની ઓઈલ માગ પણ 2022માં 52 લાખ બેરલ્સ પ્રતિ દિવસથી વધી 2030 સુધીમાં 68 લાખ બેરલ્સ પર જ્યારે 2050 સુધીમાં 78 લાખ બેરલ્સ પ્રતિ દિવસની જોવામાં આવી રહી છે. IEAના મતે પાછલા પાંચ દાયકાઓમાં ભારતે 700થી વધુ હીટવેવ્સ જોયાં છે. જેણે 17 હજારથી વધુનો ભોગ લીધો છે. દેશની ભૌગોલિક અને હવામાનની સ્થિતિને જોતાં ભારતમાં એર કંડિશ્નરની માલિકીમાં આવક વૃદ્ધિ સાથે સતત ઉમેરો થઈ રહ્યો છે. 2010થી અત્યાર સુધીમાં તે ત્રણ ગણી વૃદ્ધિ સાથે 100 ઘરમાંથી 24 યુનિટ્સ પર પહોંચી છે. કુલીંગની જરૂરિયાત માટે ઈલેક્ટ્રિસિટીના વપરાશ પરની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે એમ પેરિસ સ્થિત એજન્સીનું કહેવું છે. વીજ માગ તાપમાનને લઈ સંવેદનશીલતા ધરાવે છે. ભારતની વાત કરીએ તો 25 ડિગ્રી સેલ્સિયસની ઉપર વીજ માગમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળે છે. 2019-2022ની વચ્ચે સ્પેસ કુલીંગને કારણે વીજ વપરાશમાં 21 ટકા વૃદ્ધિ જોવા મળી છે. આજે વીજ માગનો 10 ટકા હિસ્સો સ્પેસ કુલીંગની જરૂરિયાતમાંથી આવે છે.