- ઓકટોબર 2022થી યુએસ સેનેટમાં પેન્ડિંગ છે પ્રસ્તાવ
- ડૉ. મૂર્તિ ભારતીય મૂળના પહેલા અમેરિકન સર્જન જનરલ
- કર્ણાટકથી ઈંગ્લેન્ડ અને ત્યાંથી મિયામી આવ્યા હતા મૂર્તિના પૂર્વજ
ભારતની પ્રતિભા એકવાર ફરી વૈશ્વિક મંચ પર પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો. બાઈડેને ભારતીય મૂળના ડૉક્ટરને અમેરિકાના પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા છે. બાઈડેને યુએસ સર્જન જનરલ ડૉ. વિવેક મૂર્તિને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના બોર્ડમાં પ્રતિનિધિ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ મુદ્દે અમેરિકન સેનેટમાં પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. જણાવી દઈએ કે, ડૉ. વિડેક મૂર્તિ બીજી વખત અમેરિકાના પ્રતિનિધિ બનીને WHOના કાર્યકારી બોર્ડમાં સામેલ થશે.
સેનેટમાં ઓકટોબર 2022થી અટક્યો છે પ્રસ્તાવ
45 વર્ષીય સર્જન ડૉ. વિવેક મૂર્તિનો નામ ફરીથી મોકલવામાં આવ્યું છે, રિપોર્ટ મુજબ, છેલ્લા 14 મહિનાથી તેમના નામ પર સર્વ સહમતીની રાહ જોવાઈ રહી છે. WHO બોર્ડમાં ડૉ. વિવેક મૂર્તિને સામેલ કરવા માટેનો પ્રસ્તાવ ઓકટોબર 2022થી સેનેટમાં પડતર રહ્યો છે. વ્હાઇટ હાઉસે આ અંગે જણાવ્યું છે કે ડૉ. મૂર્તિ ભારતીય મૂળના પહેલા અમેરિકન સર્જન જનરલ છે. તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
ઓબામાના કાર્યકાળમાં પણ આપી હતી સેવા
માર્ચ 2021 માં, યુએસ સેનેટે દેશના 21મા સર્જન જનરલ તરીકે ડૉ. વિવેકના નામને મંજૂરી આપી હતી. અગાઉ, તેઓ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન અમેરિકાના 19મા સર્જન જનરલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. અહેવાલો અનુસાર, 8 જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસ દ્વારા આ પ્રસ્તાવ સેનેટને મોકલવામાં આવ્યો હતો. તેમાં ડો.વિવેકના નામનો ઉલ્લેખ છે.
મૂળ કર્ણાટકના છે ડૉ.વિવેક મૂર્તિ
ડૉ. વિવેક મૂર્તિના મૂળ કર્ણાટકમાં રહેતા પૂર્વજોમાં જોવા મળે છે. કર્ણાટકથી ઈંગ્લેન્ડ આવેલા પ્રવાસી ભારતીયના સંતાન ડૉ. મૂર્તિનો જન્મ યોર્કશાયરના હડર્સફિલ્ડમાં થયો હતો. લગભગ 45 વર્ષ પહેલા, મૂર્તિનો પરિવાર કેનેડિયન પ્રાંત ન્યુફાઉન્ડલેન્ડમાં રહેવા ગયો હતો. 1978માં અહીં આવ્યા બાદ મૂર્તિના પિતાને ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસરનું પદ મળ્યું. માત્ર ત્રણ વર્ષની ઉંમરે મૂર્તિ પહેલીવાર આવ્યા હતા અને તેઓ પોતાના પરિવાર સાથે મિયામીમાં રહેતા હતા.
ડૉક્ટર ઉપરાંત અનેક બાબતોમાં જાણીતા છે મૂર્તિ
મિયામીમાં ભણેલા અને મોટા થયેલા ડૉ. વિવેકે ડૉક્ટર તરીકેનો અભ્યાસ યેલ સ્કૂલ ઓફ મેડિસિનમાંથી કર્યો હતો જ્યારે મેનેજમેન્ટનો અભ્યાસ યેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ માંથી કર્યો હતો. ડૉક્ટરની સાથે સાથે તેમની ઓળખ રિસર્ચર, વૈજ્ઞાનિક, ઉદ્યોગ સાહસિકો અને લેખક તરીકે પણ છે.
ડો.વિવેકની ટીમમાં 6000થી વધુ આરોગ્ય અધિકારીઓ
હાલમાં, ડૉ. વિવેક મૂર્તિ તેમની પત્ની ડૉ. એલિસ ચેન અને તેમના બે બાળકો સાથે વૉશિંગ્ટનમાં રહે છે. અમેરિકામાં સૌથી વધુ વંચિત અને નબળી વસ્તીની સેવા માટે નિયુક્ત 6000થી વધુ આરોગ્ય અધિકારીઓ ડૉ. વિવેકની ટીમના સભ્યો છે. એવું એટલા માટે છે કારણ કે ડૉ. વિવેક અમેરિકાની જાહેર આરોગ્ય સેવ – યુએસ પબ્લિક હેલ્થ સર્વિસના કમિશન્ડ કોરમાં વાઇસ એડમીરલનો પદભાર સંભાળે છે.
કોણ હોય છે યુએસ સર્જન જનરલ
યુએસ સર્જન જનરલને દેશના ટોચના ડૉક્ટર ગણવામાં આવે છે. આ પદ પર નિયુક્ત કરાયેલા તબીબની ફરજ વૈજ્ઞાનિક માહિતીના આધારે દેશ માટે શ્રેષ્ઠ આરોગ્ય નીતિ તૈયાર કરવાની હોય છે. આ ઉપરાંત, સર્જન જનરલ ન્યાયપૂર્ણ માર્ગદર્શન અને સંસાધનોના યોગ્ય ઉપયોગ માટે પણ જવાબદાર છે.


