ભારતીય જનતા પાર્ટી (BJP)એ બિહાર સરકારમાં મંત્રી નીતિન નબિનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરીને સૌને ચોંકાવી દીધા છે. રસપ્રદ વાત એ છે કે 1980માં સ્થપાયેલી BJPમાં 45 વર્ષની ઉંમરના નીતિન નબિન હવે 45 વર્ષની પાર્ટીના અધ્યક્ષ બન્યા છે. આ નિમણૂક સાથે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ રેકોર્ડ તોડશે.
સૌથી યુવા અધ્યક્ષ: અમિત શાહનો રેકોર્ડ તૂટ્યો
નીતિન નબિનનો જન્મ 23 મે, 1980ના રોજ થયો હતો, જ્યારે BJP ની સ્થાપના 6 એપ્રિલ, 1980ના રોજ થઈ હતી. તેઓ BJPના ઇતિહાસમાં સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે. અગાઉ અમિત શાહ જુલાઈ 2014માં જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે તેમની ઉંમર 49 વર્ષ અને 9 મહિના હતી. તેના વિપરીત નીતિન નબિન માત્ર 45 વર્ષની ઉંમરે આ જવાબદારી સંભાળી રહ્યા છે, જેના કારણે તેઓ અમિત શાહનો રેકોર્ડ તોડીને સૌથી યુવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા છે.
નીતિન નબિન કોણ છે?
નીતિન નબિન બિહારના રાજકારણમાં એક પરિચિત ચહેરો છે. તેઓ હાલમાં બિહાર સરકારમાં પથ નિર્માણ અને નગર વિકાસ તેમજ આવાસ વિભાગના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને જનતા વચ્ચે લાંબા સમયથી કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.
તાજેતરની ચૂંટણીમાં જીત
તેઓ અગાઉ બે વખત BJP ના રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી અને યુવા મોરચાના બિહાર પ્રદેશ અધ્યક્ષનું દાયિત્વ પણ સંભાળી ચૂક્યા છે. નીતિન નબિનએ ભાજપના દિગ્ગજ નેતા નવીન કિશોર સિંહાના પુત્ર છે. તાજેતરની બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમણે પટણા જિલ્લાની બાંકીપુર બેઠક પરથી RJDના ઉમેદવાર રેખા ગુપ્તાને 51 હજાર કરતાં વધુ મતોથી હરાવ્યા હતા.
પાર્ટીનો વિશ્વાસ
પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે જણાવ્યું હતું કે સંસદીય બોર્ડે નીતિન નબિનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે તાત્કાલિક અસરથી નિયુક્ત કર્યા છે. તેમણે જે. પી. નડ્ડાનું સ્થાન લીધું છે. પાર્ટીને પૂરેપૂરો વિશ્વાસ છે કે નીતિન નબિનના અનુભવ અને યુવા જોશથી રાષ્ટ્રીય સ્તરે સંગઠનને વધુ મજબૂતી મળશે.


