ભાજપમાં રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર સરકારમાં મંત્રી રહેલા નીતિન નબિનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ એક મોટો સંગઠનાત્મક નિર્ણય લીધો છે. જેમાં બિહાર સરકારના મંત્રી નીતિન નબિનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આ નિમણૂકને બિહાર તેમજ રાષ્ટ્રીય રાજકારણમાં ભાજપની વ્યૂહાત્મક મજબૂતી તરીકે જોવામાં આવી રહી છે.પાર્ટી નેતૃત્વએ તેમના સંગઠનાત્મક અનુભવ, પાયાના સ્તરે હાજરી અને વહીવટી ક્ષમતાઓને ટાંકીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.
નીતિન નબિન હવે મહત્વપૂર્ણ સંગઠનાત્મક જવાબદારીઓ સંભાળશે
આ નિમણૂક તાત્કાલિક ધોરણે 14 ડિસેમ્બર 2025થી અમલમાં આવશે. આ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઔપચારિક સંગઠનાત્મક આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશ મુજબ, આ નિમણૂક ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડ દ્વારા કરવામાં આવી હતી.આ આદેશ પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે બિહાર સરકારમાં હાલમાં મંત્રી રહેલા નીતિન નબિન હવે રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સંગઠનાત્મક જવાબદારીઓ સંભાળશે.
નીતિન નબિન હાલમાં પટનાના બાંકીપુરના ધારાસભ્ય
નીતિન નબિન હાલમાં પટનાના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે.તેઓ વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાંથી વિવિધ સંગઠનાત્મક હોદ્દાઓ પર પહોંચ્યા છે. તેમને શિસ્તબદ્ધ સંગઠક અને ઝડપી નિર્ણયો લેનારા નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે બિહાર ભાજપમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.જેમાં રાજ્ય સ્તરે સંગઠનને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.
નીતિન નબીન આ પદની જવાબદારી સંભાળશે
ગત વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણી પછી પાર્ટીએ જેપી નડ્ડાને આરોગ્ય મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતાં. ત્યારથી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ ચાલી રહી હતી.જે.પી.નડ્ડાને 2020માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો તેમનો કાર્યકાળ જૂન 2024માં સમાપ્ત થયો હતો.ત્યારથી તેઓ ભાજપની કમાન સંભાળી રહ્યા હતાં. હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થાય ત્યાં સુધી નીતિન નબીન આ પદની જવાબદારી સંભાળશે.


