- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
- વિરાટ કોહલી અંગત કારણોસપ પ્રથમ બે મેચમાંથી બહાર હતો
- વિરાટ કોહલીની વાપસી અંગે રાહુલ દ્રવિડે નવી અપડેટ આપી
આ દિવસોમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ ઇંગ્લેન્ડે જીતી હતી અને બીજી મેચ ભારતીય ટીમે જીતી હતી. હવે બંને ટીમ સિરીઝમાં 1-1થી બરાબરી પર છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ અંગત કારણોસર સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. હવે સિરીઝમાં બે મેચ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારબાદ ટીમ અને ચાહકો હવે વિરાટ કોહલીની વાપસીની રાહ જોઈ રહ્યા છે.
જેને લઈને હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ત્રીજી મેચમાં વિરાટ કોહલીની ટીમમાં વાપસીને લઈને નવીનતમ અપડેટ આપી છે. વિરાટ કોહલીને પ્રથમ બે મેચમાં ફેન્સ ખૂબ જ મિસ કરી રહ્યા છે. હૈદરાબાદ ટેસ્ટમાં ઘણા દર્શકો સ્ટેડિયમમાં વિરાટ કોહલીના નામની જર્સી પહેરીને જોવા મળ્યા હતા. તેના સોશિયલ મીડિયા પર યુઝર્સ વિરાટ કોહલીની વાપસીને લઈને સતત પોસ્ટ શેર કરી રહ્યા છે.
વિરાટના વાપસી પર રાહુલનો જવાબ
વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં જીત બાદ, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલીની વાપસી પર એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ત્રીજી ટેસ્ટ માટે કોહલીની ઉપલબ્ધતા વિશે પસંદગીકારોને પૂછવું શ્રેષ્ઠ છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં પસંદગીકારો દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવશે. આ સિવાય તેઓ કોહલીનો સંપર્ક કરીને તેની સ્થિતિ જાણશે. આ સિવાય BCCIના એક અધિકારીએ ઈન્સાઈડસ્પોર્ટને જણાવ્યું કે, વિરાટે માત્ર પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર રહેવાની જાણકારી આપી હતી. વિરાટને ત્રીજી મેચમાં રમવા અંગે એક-બે દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
ભારતે બીજી ટેસ્ટ મેચ 106 રને જીતી
સિરીઝની બીજી ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 106 રને જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય ટીમ શરૂઆતથી જ સારા ફોર્મમાં જોવા મળી હતી. બેટિંગથી લઈને બોલિંગ સુધી ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં જસપ્રિત બુમરાહ બોલિંગમાં કમાલ કરી હતી જ્યારે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ટીમે પ્રથમ દાવમાં 396 રન બનાવ્યા હતા. જેમાં યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી. જયસ્વાલે પ્રથમ દાવમાં 209 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 255 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલે બીજી ઈનિંગમાં બેટિંગ કરી હતી. ગિલે શાનદાર સદી ફટકારી હતી અને બીજી ઇનિંગમાં 104 રન બનાવ્યા હતા. બીજી મેચમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે બંને ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપી હતી. બુમરાહે પ્રથમ દાવમાં 6 અને બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. હવે સિરીઝની ત્રીજી મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. જેમાં ચાહકો વિરાટ કોહલીની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


