- ભારત અને ઈંગ્લેન્ડ સીરિઝમાં અમ્પાયર કોલ અંગે વિવાદ
- ઈંગ્લેન્ડના માઈકલ વોને DRSમાં ફેરફાર કરવાની કરી માંગ
- રાંચી ટેસ્ટમાં ઘણા બેટ્સમેન અમ્પાયર કોલ પર આઉટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી સીરિઝની ચોથી ટેસ્ટ મેચમાં DRSનો મુદ્દો ખૂબ જ ગરમાયો છે. જેના પર ક્રિકેટ પંડિતો પણ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્રીજા દિવસે જો રૂટ LBW આઉટ થયો ત્યારે પણ અમ્પાયરના કોલ અને DRS પર ઘણા સવાલો ઉભા થયા હતા. ફિલ્ડ અમ્પાયરે જો રૂટને આઉટ ન આપ્યો પરંતુ બાદમાં ટીમ ઈન્ડિયા દ્વારા DRSનો ઉપયોગ કરવામાં આવ્યો. DRS બાદ જો રૂટને આઉટ આપવામાં આવ્યો હતો. હવે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન પણ DRS વિવાદમાં આવી ગયા છે અને માઈકલ વોને DRSમાં ફેરફારની માંગ ઉઠાવી છે. પૂર્વ અંગ્રેજ ક્રિકેટરનું માનવું છે કે મેચ દરમિયાન ઓછામાં ઓછો એક ICC અધિકારી હાજર હોવો જોઈએ.
માઈકલ વોનનું સૂચન
એક અહેવાલ અનુસાર, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને કહ્યું કે પ્રથમ વાત એ છે કે મને રમતગમતમાં ટેક્નોલોજી ગમે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે જ્યાં પણ શક્ય હોય ત્યાં સુધારણા માટે પ્રયત્ન ન કરવો જોઈએ. બીજું, મને લાગે છે કે આ સીરિઝમાં ઈંગ્લેન્ડે તેના વિશે ઘણું વિચાર્યું છે. હા, કેટલાક વિચિત્ર નિર્ણયો આવ્યા છે. ઓલી પોપ છેલ્લી બે ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બે વખત LBW થઈ ચૂક્યો છે. જેક ક્રોલી પણ આવી જ રીતે આઉટ થયો હતો.
અમ્પાયર કોલ હટવવાની કરી માંગ
અમ્પાયર કોલ હવે બેટ્સમેનો માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે. રાંચી ટેસ્ટ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમોના ઘણા બેટ્સમેન અમ્પાયર કોલ પર આઉટ થઈ ગયા હતા. અમ્પાયરના કોલને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જોવા મળી હતી. આ પહેલા ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે પણ અમ્પાયર કોલ નાબૂદ કરવાની માંગ કરી હતી. રાંચી ટેસ્ટના ત્રીજા દિવસે આર અશ્વિને ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટ સામે LBWની અપીલ કરી હતી પરંતુ ફિલ્ડ અમ્પાયરે આઉટ ન આપ્યો પરંતુ બાદમાં DRS બાદ અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.
રાંચી ટેસ્ટ પર ભારતની પકડ મજબૂત
રાંચી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને માત્ર 145 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જે બાદ ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 40 રન બનાવી લીધા હતા. હવે રાંચી ટેસ્ટ પર ટીમની પકડ ઘણી મજબૂત જોવા મળી રહી છે.


