ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આગામી ટેસ્ટ સિરીઝમાં જો કોઈ ખેલાડી પર બધાની નજર રહેશે તો તે છે યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ પછી યશસ્વી જયસ્વાલ એ નામ છે જેની પાસેથી મોટી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.
યશસ્વી જયસ્વાલે ભલે હજુ સુધી ઘણી આંતરરાષ્ટ્રીય મેચ રમી ન હોય, પરંતુ તેને અત્યાર સુધી જે પ્રદર્શન કર્યું છે તે શાનદાર રહ્યું છે. ખાસ વાત એ છે કે યશસ્વી જયસ્વાલ પહેલીવાર ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા મળશે, અને જો તેનું બેટ અહીં પણ કામ કરશે તો યશસ્વી જયસ્વાલના નામે એક મોટો રેકોર્ડ બની શકે છે.
ઈંગ્લેન્ડ સામે રહ્યું છે શાનદાર પ્રદર્શન
યશસ્વી જયસ્વાલ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. તેને 19 ટેસ્ટ મેચમાં 1798 રન બનાવ્યા છે અને તેની એવરેજ 52.88 છે. આ સમય દરમિયાન તેને 4 સદી અને 10 અડધી સદી પણ ફટકારી છે. તેને ઈંગ્લેન્ડ સામે બેવડી સદી પણ ફટકારી છે, જે દર્શાવે છે કે તેને આ ટીમ સામે રમવાનું પસંદ છે. ખાસ વાત એ છે કે યશસ્વી જયસ્વાલ છગ્ગાના મામલે પણ ખૂબ જ આક્રમક છે. તેને અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 39 છગ્ગા ફટકાર્યા છે.
જોખમમાં છે શાહિદ આફ્રિદીનો રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ભૂતપૂર્વ પાકિસ્તાની બેટ્સમેન શાહિદ આફ્રિદીના નામે છે. શાહિદ આફ્રિદીએ આ સિદ્ધિ માત્ર 26 ટેસ્ટ મેચમાં મેળવી હતી. બીજી તરફ યશસ્વી જયસ્વાલ અત્યાર સુધી 19 મેચ રમી ચૂક્યો છે અને તેને 50 છગ્ગાનો આંકડો સ્પર્શવા માટે ફક્ત 11 છગ્ગાની જરૂર છે. જો તે આવનારી કેટલીક મેચોમાં આ કરશે તો શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તૂટી જશે અને જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટમાં 50 છગ્ગા ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી બની જશે.
યશસ્વી જયસ્વાલ બનાવશે મોટો રેકોર્ડ
યશસ્વી જયસ્વાલની બેટિંગ સ્ટાઈલ ખૂબ જ આક્રમક છે અને તે દરેક ફોર્મેટમાં મોટા શોટ મારવામાં અચકાતો નથી. ટેસ્ટ મેચોમાં પણ તે તક મળતા જ બોલરો પર પ્રહાર કરે છે. આ પરિસ્થિતિમાં એવું કહેવું ખોટું નહીં હોય કે જો તેને 2-3 વધુ ટેસ્ટ મેચ રમવાની તક મળે તો તે સરળતાથી 11 છગ્ગા મારી શકે છે. શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તૂટશે તે લગભગ નિશ્ચિત લાગે છે.