- ઇઝરાયલ હમાસ યુદ્ધને લઈને ગાઝા પટ્ટીમાં નરસંહાર
- UNGAની બ્રીફિંગ દરમિયાન ભારતના પ્રતિનિધિનું નિવેદન
- મહિલા અને બાળકોના મોત સ્વીકાર્ય નથી: રુચિરા કંબોજ
ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંકટને લઈને ભારતે એકવાર ફરી ચિંતા વ્યક્ત કરી છે. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે જે કઈ પણ થયું તેનાથી ભારત ચિંતિત છે અને સમગ્ર વિવાદને લગભગ 5 મહિના થવા આવ્યા છે. આ સમગ્ર ઘટના માનવતા પર ઘેરાઈ રહેલા મહાસંકટ સમાન છે.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ની બ્રીફિંગ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલ રુચિરા કંબોજે આ વાત કહી હતી. તેમણે આગળ કહ્યું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા વિવાદ અને તણાવને કારણે મોટા પ્રમાણમાં લોકોના મોત થયા છે, ખાસ કરીને મહિલાઓ અને બાળકોના… આ બિલકુલ સ્વીકાર્ય નથી.
UNGA બ્રીફિંગમાં બોલ્યા રુચિરા કંબોજ
UNGAમાં આપેલ નિવેદન મુજબ, “અમે આ વિવાદ દરમિયાન થયેલા નાગરિકોના મોતને લઈને આકરી ટીકા કરી છે, આતંકવાદ વિરુદ્ધ ભારતનું વલણ સ્પષ્ટ છે અને ક્યારેય ચલાવી લેવામાં નહી આવે. અમે તમામ બંધકોને મુક્ત કરવાની માંગ કરીએ છીએ.”
ભારત તરફથી આ પહેલા 1 માર્ચના રોજ ઉત્તર ગાઝામાં થયેલ જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ગાઝા પટ્ટીમાં ઇઝરાયલના સૈન્ય હુમલાઓને કારણે મોતને ભેટલે કુલ પેલેસ્ટિનિયનોની સંખ્યા 2 માર્ચ 2024 સુધીના આંકડા મુજબ વધીને 30,320 થઈ ગઈ છે.

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઇઝરાયલી દળોએ 24 કલાકમાં 92 પેલેસ્ટાઇનીઓને મોતને ઘાટ ઉતાર્યા અને હુમલામાં 156 ઘાયલ થયા છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ શરૂ થયા બાદ મૃત્યુઆંક વધીને 30,320 થઈ ગયો. કુલ 71,533 લોકો ઘાયલ થયા છે.
તત્કાળ થાય યુદ્ધ વિરામ: કમલા હેરિસની માંગ
ઇઝરાયલ હમાસ યુદ્ધને લઈને ભારતે વ્યક્ત કરેલ ચિંતાના એક દિવસ પહેલા, 4 માર્ચના રોજ, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે ગાઝામાં ઓછામાં ઓછા આગામી 6 અઠવાડિયા માટે તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી હતી. તેમણે ઇઝરાયેલી સરકારને યુદ્ધથી તબાહ થયેલા વિસ્તારમાં સહાય પુરવઠો વધારવા માટે વધુ પ્રયાસો કરવા આહ્વાન કર્યું છે.


