- સિંગાપુરમાં ઝેરી ગૅસના લીધે ભારતીય વ્યકિતનું મોત
- ઝેરી ગૅસના સંપર્કમાં આવવાથી 40 વર્ષીય શિવરામનનું મોત
- શિવરામન અને અન્ય બે મલેશિયન કર્મચારીઓ સ્થળ પર બેભાન મળી આવ્યા હતા
સિંગાપોરમાં ઝેરી ગેસના કારણે મૃત્યુ પામેલા ભારતીય મૂળના વ્યક્તિના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ભારતમાં તેના વતન લાવવામાં આવ્યો છે. શ્રીનિવાસન શિવરામન નામના 40 વર્ષીય વ્યક્તિ ‘સુપરસોનિક મેન્ટેનન્સ સર્વિસ’માં સફાઈ ઓપરેશન મેનેજર તરીકે કામ કરતો હતો. ટાંકી સાફ કરતી વખતે ઝેરી ગૅસ શ્વાસમાં લેવાથી 23 મેના રોજ આ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ કામ રાષ્ટ્રીય વોટર એજન્સીના વોટરવર્કસ’માં ચાલી રહ્યું હતું. શિવરામન અને અન્ય બે મલેશિયન કર્મચારીઓ સ્થળ પર બેભાન મળી આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ભારતીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
પોલીસની શરૂઆતના ગાળાની તપાસમાં જાણવા મળ્યું છે કે કામદારો હાઇડ્રોજન સલ્ફાઇડ ગૅસના સંપર્કમાં આવ્યા હતા. આ ગૅસ પાણીની સફાઈ દરમિયાન નીકળે છે. મલેશિયાના કામદારો હજુ પણ સારવાર હેઠળ છે. મળતી માહિતી અનુસાર, શિવરામનનો મૃતદેહ 26 મેના રોજ તેમના પરિવાર અને મિત્રોને સોંપવામાં આવ્યો હતો. ડોક્યુમેન્ટની કાર્યવાહી બાદ મૃતદેહને 28 મેના રોજ ભારત મોકલવામાં આવ્યો હતો. આ અકસ્માત થયો ત્યારે શિવરામનનો પરિવાર ઉનાળાની રજાઓમાં સિંગાપુર આવ્યો હતો. શિવરામન તમિલનાડુ રાજ્યના તંજાવુર જિલ્લાના કમ્બરનાથમ ગામના રહેવાસી હતા. 26 મેના રોજ, પરિવાર, મિત્રો અને સહકર્મીઓ સહિત લગભગ 50 લોકોએ શિવરામનને અંતિમ શ્રદ્ધાંજલી આપી હતી.
સિંગાપુરમાં અગાઉ પણ ભારતીય વ્યક્તિના મૃત્યુ થઈ ચૂક્યા છે
સિંગાપુરમાં ગૅસ ગળતરની ઘટનાઓ અગાઉ પણ કિસ્સા સામે આવી ચુકયા છે. તાજેતરમાં સિંગાપુર રિફાઈનિંગ કંપનીના એક ટેકનિશિયનને ચાર મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આરોપ હતો કે આ ટેકનિશિયનની બેદરકારીને કારણે વર્ષ-2020માં ગૅસ લીકેજ થયો હતો, કોર્ટે આ બેદરકારી માટે ટેકનિશિયનને જવાબદાર ઠેરવ્યો છે. આ અકસ્માતમાં એક ભારતીયનું પણ મોત થયું હતું. એક ખાનગી અહેવાલ મુજબ લેક ચિંગ હ્વાએ પોતાની બેદરકારી સ્વીકારી છે. તેણે કહ્યું કે તે જુરોંગ આઇલેન્ડ પર ઓઇલ રિફાઇનરી પ્લાન્ટમાં તેની ફરજોમાં બેદરકારી દાખવતો હતો. ગેસ લીકેજ સંબંધિત આ દુર્ઘટના 17 સપ્ટેમ્બર 2020ના રોજ બની હતી. જેમાં 30 વર્ષીય ભારતીય પલાનીવેલ પાંડીદુરાઈનું મોત થયું હતું.


